الحليم
كلمةُ (الحليم) في اللغة صفةٌ مشبَّهة على وزن (فعيل) بمعنى (فاعل)؛...
૧) દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને અંધકાર અને પ્રકાશ બનાવ્યો,તો પણ ઇન્કાર કરનારા લોકો (અલ્લાહને છોડીને) અન્યને પોતાના પાલનહાર બરાબર ઠેરવે છે.
૨) તે એવો છે જેણે તમારું માટીથી સર્જન કર્યું, પછી એક સમય નક્કી કર્યો અને (બીજો) નક્કી કરેલ સમય ખાસ અલ્લાહ જ જાણે છે, તો પણ તમે શંકા કરો છો.
૩) અને તે જ છે સાચો પૂજ્ય, આકાશોમાં પણ અને ધરતીમાં પણ, તે તમારી છૂપી (વાતો)ને પણ અને તમારી જાહેર (વાતો) ને પણ જાણે છે અને તમે જે કંઈ કાર્ય કરો છો તેને પણ જાણે છે.
૪) અને તેઓની પાસે કોઇ પણ નિશાની, તેઓના પાલનહારની નિશાનીઓ માંથી એવી નથી આવતી કે જેનાથી તે અળગા ન રહેતા હોય.
૫) તેઓએ તે સાચી કિતાબને પણ જુઠલાવી, જ્યારે કે તે (કિતાબ) તેમની પાસે આવી પહોંચી, તો નજીક માંજ તેઓ જાણી લેશે તે વસ્તુને, જેના વિશે આ લોકો મજાક કરતા હતા.
૬) શું તેઓએ જોયું નથી કે તેઓથી પહેલા અમે કેટલાય જૂથોને નષ્ટ કરી ચૂકયા છીએ, જેઓને અમે દુનિયામાં એવી શક્તિ આપી હતી જેવી શક્તિ તમને નથી આપી અને અમે તેઓ પર મુશળધાર વરસાદ વરસાવ્યો અને અમે તેઓની નીચેથી નહેરો વહેતી કરી દીધી, પછી અમે તેઓને, તેઓના પાપોના કારણે નષ્ટ કરી દીધા અને તેઓ પછી બીજા જૂથોને પેદા કરી દીધા.
૭) અને જો અમે કાગળ પર લખેલ પૃષ્ઠ તમારા પર ઊતારતા, પછી તેને આ લોકો પોતાના હાથ વડે અડી પણ લેતા, તો પણ આ ઇન્કાર કરનારા લોકો એવું કહેતા કે આ તો સ્પષ્ટ જાદુ જ છે.
૮) અને આ લોકો એવું કહે છે કે તેઓની પાસે કોઇ ફરિશ્તા કેમ ઉતારવામાં નથી આવતા ? અને જો અમે કોઇ ફરિશ્તા મોકલી દેતા, તો વાત જ પૂરી થઇ જાત, પછી તેઓને થોડીક પણ મહેતલ આપવામાં ન આવતી.
૯) અને જો અમે (પયગંબર) તરીકે ફરિશ્તાને ઉતારતા, તો અમે તેને માણસ જ બનાવતા અને અમારા આ કાર્યથી ફરી, તેઓને તે જ શંકા થતી, જે અત્યારે શંકા કરી રહ્યા છે.
૧૦) અને ખરેખર તમારાથી પહેલા જે પયગંબર થઇ ચૂક્યા છે, તેઓની પણ મજાક ઉડાવવામાં આવી, પછી જે લોકોએ તેઓની (પયગંબરો) સાથે મજાક કરી હતી, તેઓને તે પ્રકોપે ઘેરી લીધી, જેની મજાક ઉડાવતા હતા.
૧૧) તમે કહી દો કે થોડું ધરતી પર હરો-ફરો, પછી જોઇ લો કે જુઠલાવનારાઓની કેવી દશા થઇ.
૧૨) તમે કહી દો કે જે કંઈ આકાશ અને ધરતીમાં છે, તેનો માલિક કોણ છે ? તમે કહી દો કે તે સૌનો માલિક અલ્લાહ જ છે, અલ્લાહએ કૃપા કરવી પોતાના પર જરૂરી કરી દીધું છે. તમને અલ્લાહ કયામતના દિવસે એકઠા કરશે, તેમાં કોઇ શંકા નથી, જે લોકોએ પોતે પોતાને નુકસાનમાં નાખ્યા છે, તેઓ ઈમાન નહીં લાવે.
૧૩) અને અલ્લાહ જ માલિક છે તે દરેક વસ્તુઓનો જે રાત અને દિવસમાં રહે છે, અને તે ખૂબ જ સાંભળનાર અને જાણનાર છે.
૧૪) તમે કહી દો કે શું હું અલ્લાહ સિવાય બીજાને પૂજ્ય સમજું ? જે (અલ્લાહ) આકાશો અને ધરતીનું સર્જન કરનાર છે, અને જે ખોરાક આપે છે અને તેને કોઇ ખોરાક નથી આપતું, તમે કહી દો કે મને આદેશ આપવામાં આવ્યો છે કે હું સૌથી પહેલા ઇસ્લામનો સ્વીકાર કરું અને તમે મુશરિકો માંથી ક્યારેય ન થઇ જતા.
૧૫) તમે કહી દો કે જો હું પોતાના પાલનહારનું કહ્યું ન માનું તો હું એક મોટા દિવસની યાતનાનો ડર રાખું છું.
૧૬) જે વ્યક્તિ ઉપરથી તે દિવસે તે યાતના હટાવી દેવામાં આવી, તો તેના પર અલ્લાહએ ખૂબ દયા કરી અને આ મોટી સફળતા છે.
૧૭) અને જો તમને અલ્લાહ તઆલા કોઇ તકલીફ આપે તો તેને દૂર કરવાવાળો અલ્લાહ સિવાય કોઇ નથી અને જો તમને અલ્લાહ તઆલા કોઇ નફો પહોંચાડે, તો તે દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૧૮) અને તે જ અલ્લાહ પોતાના બંદાઓ પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે જ મોટી હિકમતવાળો છે અને બધી જ ખબર રાખનાર છે.
૧૯) તમે કહી દો કે સાક્ષી આપવા માટે સૌથી મોટું કોણ છે ? તમે કહી દો કે મારી અને તમારી વચ્ચે સાક્ષી આપનાર અલ્લાહ છે અને મારી પાસે આ કુરઆન વહી વડે અવતરિત કરવામાં આવ્યું છે, જેથી હું આ કુરઆન દ્વારા, તમને અને જે લોકો સુધી આ કુરઆન પહોંચે તે સૌને સચેત કરું, શું તમે સાચે જ આ સાક્ષી આપશો કે અલ્લાહ તઆલા સાથે બીજા અન્ય પૂજ્યો પણ છે, તમે કહી દો કે હું તો સાક્ષી નથી આપતો, તમે કહી દો કે બસ ! તે તો એક જ પૂજ્ય છે અને ખરેખર હું તમારા (અલ્લાહ સાથે) ભાગીદાર ઠેરવવાના કારણે કંટાળેલો છું.
૨૦) જે લોકોને અમે કિતાબ આપી છે તે લોકો પયગંબરને ઓળખે છે, જેવી રીતે પોતાના સંતાનને ઓળખે છે, જે લોકોએ પોતે પોતાને નુકસાનમાં નાખ્યા છે તેઓ ઈમાન નહીં લાવે.
૨૧) અને તેના કરતા વધારે અન્યાય કરનાર કોણ હોઇ શકે છે જે અલ્લાહ તઆલા પર જૂઠ્ઠાણું બાંધે, અથવા અલ્લાહની આયતોને જુઠી ઠેરવે ? આવા અન્યાય કરનારા સફળ નહીં થાય.
૨૨) અને તે સમય પણ યાદ કરવા જેવો છે જે દિવસે અમે તે બધા સર્જનને ભેગા કરીશું, પછી અમે મુશરિકોને કહીશું કે તમારા તે ભાગીદારો, જેમના પૂજ્ય હોવાનો તમે દાવો કરતા હતા, ક્યાં છે ?
૨૩) પછી તેઓના શિર્કનું પરિણામ તે સિવાય બીજું કંઈ નહીં હોય કે, તેઓ એવું કહેશે કે, સોગંદ છે અલ્લાહના, હે અમારા પાલનહાર અમે મુશરિક ન હતા.
૨૪) જુઓ તો, તેઓએ કેવી રીતે જૂઠ કહ્યું પોતાના પર, અને જે વસ્તુને તેઓ જૂઠ ઘડી કાઢતા હતા તે સૌ અદૃશ્ય થઇ ગયા.
૨૫) અને તેઓ માંથી કેટલાક એવા છે કે તમારી તરફ કાન ધરે છે અને અમે તેઓના હૃદયો પર પરદો નાંખી દીધો છે જેનાથી તેઓ સમજે, અને કાનમાં બૂચ નાંખી દીધા છે, અને જો તે લોકો બધા જ પૂરાવાને જોઇ લે તો પણ તેના પર ઈમાન નહીં લાવે, અહીં સુધી કે જ્યારે આ લોકો તમારી પાસે આવે છે, તો અમસ્તા ઝઘડો કરે છે, આ લોકો જે ઇન્કાર કરનારા છે એવું કહે છે કે, આ તો કંઈ પણ નથી ફકત વાતો છે, જે પહેલાથી ચાલતી આવી છે.
૨૬) અને આ લોકો તેનાથી બીજાને પણ રોકે છે અને પોતે પણ તેનાથી દૂર દૂર રહે છે અને આ લોકો પોતાને જ નષ્ટ કરી રહ્યા છે અને કંઈ ખબર નથી રાખતા.
૨૭) અને જો તમે તે સમયે જુઓ, કે આ લોકો જહન્નમ પાસે ઊભા રાખવામાં આવશે તો કહેશે, અફસોસ, કેવું સારું થાત, કે અમે પાછા (દુનિયામાં) મોકલી દેવામાં આવીએ, અને જો આવું થઇ જાય તો, અમે અમારા પાલનહારની આયતોને જૂઠી નહીં ઠેરવીએ, અને ઈમાનવાળાઓ માંથી થઇ જઇએ.
૨૮) પરંતુ જે વસ્તુને આ પહેલાં છુપાવતાં હતા, તે તેઓની સામે આવી ગઈ, અને જો આ લોકો ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એવા જ કાર્યો કરશે જેનાથી તેઓને રોકવામાં આવ્યા હતા અને ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
૨૯) અને આ લોકો કહે છે કે ફકત આ દુનિયાનું જીવન જ અમારું જીવન છે અને અમે (બીજી વખત) જીવિત કરવામાં નહીં આવીએ.
૩૦) અને જો તમે તે સમયે જુઓ, જ્યારે આ લોકો પોતાના પાલનહાર સમક્ષ ઊભા કરવામાં આવશે, અલ્લાહ કહેશે કે શું આ સાચું નથી ? તે કહેશે નિ:શંક સોગંદ છે અમારા પાલનહારના, કેમ નહીં, અલ્લાહ તઆલા કહેશે તો હવે પોતાના ઇન્કારના કારણે યાતનાનો (સ્વાદ) ચાખો.
૩૧) નિ:શંક નુકસાનમાં રહ્યા તે લોકો, જેઓએ અલ્લાહ સાથે મુલાકાત કરવાને જૂઠ સમજ્યું, અહીં સુધી કે તે નક્કી કરેલ સમય તેઓ પર આવી પહોંચશે, કહેશે કે અફસોસ છે અમારી સુસ્તી પર, જે આ વિષે થઇ, અને સ્થિતિ એવી થશે કે તેઓ પોતાની પીઠ પર ભાર ઉઠાવેલ હશે, સારી રીતે સાંભળી લો કે, ખરાબ હશે તે વસ્તુ જેનો ભાર તેઓ ઉઠાવશે.
૩૨) અને દુનિયાનું જીવન તો કંઈ પણ નથી, ખેલ-તમાશા સિવાય. અને આખેરતનું ઘર ડરવાવાળાઓ માટે ઉત્તમ છે, શું તમે વિચારતા નથી ?
૩૩) અમે સારી રીતે જાણીએ છીએ કે તમને તે લોકોની વાતો નિરાશ કરે છે, આ લોકો તમને જુઠ્ઠા નથી કહેતા, પરંતુ આ અત્યાચારી લોકો તો અલ્લાહની આયતોને ઇન્કાર કરે છે.
૩૪) અને ઘણા પયગંબરો જે તમારા કરતા પહેલા આવી ચૂક્યા છે તેઓને પણ જુઠલાવવામાં આવ્યા, પરંતુ તેઓએ તેના પર ધીરજ રાખી, તેઓને જુઠલાવવામાં આવ્યા અને તેઓને તકલીફો આપવામાં આવી, ત્યાં સુધી કે અમારી મદદ તેઓ માટે આવી ગઇ અને અલ્લાહ તઆલાની વાતોને કોઇ બદલી શકતું નથી અને તમારી પાસે કેટલાક પયગંબરોની કેટલીક વાતો પહોંચી ગઇ છે.
૩૫) અને જો તેઓની ઉપેક્ષા તમને તકલીફ પહોંચાડે છે.
તો, જો તમને તાકાત હોય તો ધરતીમાં કોઇ સુરંગ અથવા આકાશમાં કોઇ સીડી શોધી લો, ફરી કોઇ ચમત્કાર લઇ આવી, તેને બતાવો, અને જો અલ્લાહ ઇચ્છતો, તો તે સૌને સત્યમાર્ગ પર ભેગા કરી દેતો, તો તમે અણસમજું લોકો માંથી ન થઇ જાવ.
૩૬) તે જ લોકો માને છે જેઓ સાંભળે છે અને મૃતકોને અલ્લાહ જીવિત કરીને ઉઠાવશે, પછી બધા અલ્લાહ તરફ જ લાવવામાં આવશે.
૩૭) અને આ લોકો કહે છે કે તેઓ પર કોઇ ચમત્કાર કેમ ઉતારવામાં નથી આવ્યો તેઓના પાલનહાર તરફથી, તમે કહી દો કે અલ્લાહ તઆલા ખરેખર સંપૂર્ણ શક્તિ ધરાવે છે તેના પર કે, તે ચમત્કાર ઉતારી દે, પરંતુ તેઓ માંથી વધારે પડતા લોકો અજાણ છે.
૩૮) અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ છે, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે, તેમાં કોઇ એવા નથી જે તમારી જેમ જૂથ ન હોય, અમે કિતાબ (લોહે મહફૂઝ)માં કોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે.
૩૯) અને જે લોકો અમારી આયતોને જુઠલાવે છે, તે તો અલગ-અલગ પ્રકારના અંધકારમાં બહેરા અને મૂંગા થઇ રહ્યા છે, અલ્લાહ જેને ઇચ્છે તેને પથભ્રષ્ટ કરી દે અને જેને ઇચ્છે સત્ય માર્ગદર્શન આપી દે.
૪૦) તમે કહી દો કે તમારી શી દશા થશે જો તમારા પર અલ્લાહનો પ્રકોપ આવી પહોંચે અથવા તમારા પર કયામત જ આવી પહોંચે, તો શું અલ્લાહ સિવાય બીજાને પોકારશો ? જો તમે સાચા હોવ.
૪૧) પરંતુ તેને જ પોકારશો, પછી જેના માટે તમે પોકારશો, જો તે ઇચ્છે તો તેને હટાવી પણ દે અને જેઓને તમે ભાગીદાર ઠેરવો છો તે સૌને ભૂલી જશો.
૪૨) અને અમે બીજા જૂથ તરફ પણ જે તમારા પહેલા થઇ ગયા છે, પયગંબરો મોકલ્યા હતા, તો અમે તેઓના પર તંગી અને બિમારી લાવ્યા, જેથી તેઓ વિનમ્રતાપૂર્વક અમારી સામે ઝૂકી પડે.
૪૩) તો જ્યારે તેઓને અમારી સજા પહોંચતી, તો તેઓએ નમ્રતા કેમ ન દાખવી ? પરંતુ તેઓના હૃદયો કઠોર થઇ ગયા અને શેતાને તેઓના કાર્યોને તેમના માટે સારા કરી દીધા.
૪૪) પછી જ્યારે તે લોકો તે વસ્તુને ભૂલી ગયા, જેની શિખામણ તેઓને આપવામાં આવતી હતી, તો અમે તેઓ પર દરેક વસ્તુના દરવાજા ફેલાવી દીધા, ત્યાં સુધી કે જ્યારે તે વસ્તુઓ પર, જે તેમને મળી હતી, તેઓ ખૂબ ઇતરાવા લાગ્યા, અમે તેઓને અચાનક પકડી લીધા, પછી તો તેઓ તદ્દન નિરાશ થઇ ગયા.
૪૫) પછી અત્યાચારીઓના મૂળ કપાઇ ગયા અને અલ્લાહનો આભાર છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
૪૬) તમે કહી દો કે, જણાવો ! જો અલ્લાહ તઆલા તમારી સાંભળવાની અને જોવાની શક્તિને સંપૂર્ણપણે લઇ લે અને તમારા હૃદયો પર મહોર લગાવી દે, તો અલ્લાહ તઆલા સિવાય બીજો કોઇ પૂજ્ય છે કે એ તમને પરત આપી દે, તમે જૂઓ તો અમે કેવી રીતે પૂરાવાનું અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, તો પણ આ લોકો માનતા નથી.
૪૭) તમે કહી દો કે જણાવો ! જો તમારા પર અલ્લાહ તઆલાનો પ્રકોપ આવી પહોંચે, ભલેને અચાનક અથવા જાહેરમાં, તો શું અત્યાચારી સિવાય બીજા કોઇને નષ્ટ કરવામાં આવશે ?
૪૮) અને અમે પયગંબરોને ફક્ત તે કારણે મોકલીએ છીએ કે, તે ખુશખબર આપે અને સચેત કરે, પછી જે લોકો ઈમાન લઇ આવે અને સુધારો કરી લે, તે લોકોને કોઇ ભય નહીં હોય અને ન તો તેઓ નિરાશ થશે.
૪૯) અને જે લોકો અમારી આયતોને જુઠલાવે, તેઓ ઉપર યાતના આવી પહોંચશે, એટલા માટે કે તેઓ અવજ્ઞા કરતા હતા.
૫૦) તમે કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે મારી પાસે અલ્લાહના ખજાના છે અને ન તો હું અદૃશ્ય (ની વાતો) જાણું છું અને ન તો હું તમને એવું કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફકત જે મારી પાસે વહી આવે છે તેનું અનુસરણ કરું છું, તમે કહી દો કે શું આંધળો અને જોનારો બન્ને સમાન હોઇ શકે છે ? તો શું તમે ચિંતન નથી કરતા ?
૫૧) અને એવા લોકોને સચેત કરો, જેઓ તે વાતની ખાતરી રાખે છે કે પોતાના પાલનહાર પાસે એવી સ્થિતિમાં ભેગા કરવામાં આવીશું કે અલ્લાહ સિવાય જેટલા પૂજ્યો છે, ન કોઇ તેઓની મદદ કરશે અને ન તો કોઇ ભલામણ કરશે, આ આશા પર કે તેઓ ડરી જાય.
૫૨) અને તે લોકોને ન કાઢો, જે સવાર-સાંજ પોતાના પાલનહારની બંદગી કરે છે, ફક્ત તેની પ્રસન્નતાનો હેતુ રાખે છે, તેઓનો હિસાબ થોડોક પણ તમારા વિશે નથી અને તમારો હિસાબ થોડોક પણ તેઓના વિશે નથી, કે તમે તેઓને કાઢી મૂકો, નહીં તો તમે અત્યાચાર કરવાવાળાઓ માંથી થઇ જશો.
૫૩) અને આવી જ રીતે અમે કેટલાકની કેટલાક વડે કસોટી કરી રહ્યા છે, જેથી આ લોકો કહે, શું આ લોકો છે જેમના પર અમારા સૌ માંથી અલ્લાહ તઆલાએ કૃપા કરી છે, શું એવું નથી કે અલ્લાહ તઆલા આભાર વ્યક્ત કરનાર લોકોને ખૂબ સારી રીતે જાણે છે.
૫૪) અને આ લોકો જ્યારે તમારી પાસે આવે, જેઓ અમારી આયતો પર ઈમાન રાખે છે, તો (એવું) કહી દો કે તમારા પર સલામતી છે, તમારા પાલનહારે કૃપા કરવી પોતાના શિરે નક્કી કરી લીધું છે, કે જે વ્યક્તિ તમારા માંથી ખરાબ કૃત્ય અજાણતાથી કરી બેસે, ત્યાર પછી તેઓ તૌબા કરી લે, અને સુધારો કરી લે, તો અલ્લાહ (ની એ ખૂબી છે કે તે) મોટો માફ કરનાર છે, ઘણો કૃપાળુ છે.
૫૫) આવી જ રીતે અમે આયતોને સ્પષ્ટ કરતા રહીએ છીએ જેથી પાપીઓનો માર્ગ જાહેર થઇ જાય.
૫૬) તમે કહી દો કે મને તેનાથી રોકવામાં આવ્યો છે કે તેઓની બંદગી કરું જેમને તમે અલ્લાહ તઆલા સિવાય બીજાને પોકારો છો, તમે કહી દો કે હું તમારી મનેચ્છાઓનું અનુસરણ નહીં કરું, કારણકે આ સ્થિતિમાં તો હું પથભ્રષ્ટ થઇ જઇશ, અને સત્ય માર્ગ પર ચાલનારાઓ માંથી નહીં રહું.
૫૭) તમે કહી દો કે મારી પાસે તો મારા પાલનહાર તરફથી એક પૂરાવો છે, પરંતુ તમે તેને જુઠલાવો છો, જે વસ્તુ વિશે તમે ઉતાવળ કરી રહ્યા છો, તે મારી પાસે નથી, અલ્લાહ સિવાય કોઇનો આદેશ નથી ચાલતો, અલ્લાહ તઆલા ખરેખર સત્ય વાતને જણાવી દે છે અને સૌથી સારો નિર્ણય કરનાર તે જ છે.
૫૮) તમે કહી દો કે જો મારી પાસે તે વસ્તુ હોત જેની તમે માંગણી કરી રહ્યા છો, તો મારી અને તમારી વચ્ચે નિર્ણય થઈ જાત અને અત્યાચારીઓને અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણે છે.
૫૯) અને અલ્લાહ તઆલા પાસે જ છે અદૃશ્યની ચાવીઓ (ખજાનો), અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને કોઇ દાણો ધરતીના અંધકારમાં અને ન કોઇ ભીની અને ન કોઇ સૂકી વસ્તુ છે, સાચે જ આ બધું જ ખુલ્લી કિતાબમાં લખેલ છે.
૬૦) અને તે એવો છે કે રાતમાં તમારા પ્રાણ ખેંચી લે છે અને જે કંઈ પણ તમે દિવસમાં કરો છો તેને જાણે છે, પછી તમને ઉઠાડે છે, જેથી નક્કી કરેલ સમય પૂરો થઇ જાય, પછી તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે, પછી તમને બતાવશે જે કંઈ તમે કરતા હતા.
૬૧) અને તે જ પોતાના બંદાઓ પર વિજયી છે, અને તમારા માટે નિરીક્ષક અવતરિત કરે છે, ત્યાં સુધી કે જ્યારે તમારા માંથી કોઇને મૃત્યુ આવી પહોંચે છે, તેનો જીવ અમારા મોકલેલા ફરિશ્તા કાઢી લે છે અને તેઓ થોડીક પણ સુસ્તી નથી કરતા.
૬૨) પછી સૌ પોતાના સાચા પૂજ્ય અલ્લાહ તઆલા તરફ લાવવામાં આવશે, સારી રીતે સાંભળી લો, નિર્ણય અલ્લાહનો જ હશે અને તે નજીક માંજ હિસાબ લેશે.
૬૩) તમે કહી દો કે તે કોણ છે જે તમને ધરતી અને સમુદ્રના અંધકારથી બચાવે છે, તમે તેને પોકારો છો નમ્રતાપૂર્વક અને છૂપી-છૂપીને, જો તમે અમને તેનાથી છુટકારો અપાવી દો તો અમે ખરેખર આભાર વ્યકત કરનારાઓ માંથી થઇ જઇશું.
૬૪) તમે કહી દો કે અલ્લાહ જ તમને તેનાથી બચાવે છે અને દરેક દુ:ખથી, તમે તો પણ ભાગીદાર ઠેરવવા લાગો છો.
૬૫) તમે કહી દો કે તેના પર પણ તે જ શક્તિ ધરાવે છે કે તમારા પર કોઇ પ્રકોપ તમારા ઉપરથી મોકલી દે, અથવા તમારા તળીયેથી, અથવા તો તમને જૂથ જૂથ બનાવી સૌને લડાવી દે અને તમારા માંથી એકને બીજાની લડાઇની મજા ચખાડી દે, તમે જૂઓ તો ખરા, અમે કેવી રીતે પૂરાવા અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, કદાચ કે તેઓ સમજી જાય.
૬૬) અને તમારી કોમ તેને જુઠલાવે છે, જો કે તે સત્ય છે, તમે કહી દો કે હું તમારા પર વકીલ નથી.
૬૭) દરેક ખબર નો એક સમય છે અને નજીક માંજ તમને ખબર પડી જશે.
૬૮) અને જ્યારે તમે તે લોકોને જૂઓ જેઓ અમારી આયતોમાં ખામી શોધી રહ્યા છે, તમે તે લોકોથી અળગા થઇ જાવ, ત્યાં સુધી કે તેઓ કોઇ બીજી વાતમાં પડી જાય અને જો તમને શેતાન ભૂલાવી દે તો, યાદ આવ્યા પછી ફરી આવા અત્યાચારી લોકો સાથે ન બેસો.
૬૯) અને જે લોકો ડરવાવાળા છે, તેઓ પર તેઓની વાતોનો કોઇ અસર નહીં થાય, પરંતુ તેઓની જવાબદારી શિખામણ આપી દેવાની છે, કદાચ તે લોકો પણ ડરવા લાગે.
૭૦) અને આવા લોકોથી તદ્દન અળગા રહો, જે લોકોએ પોતાના દીનને રમત બનાવી દીધો છે અને દુનિયાના જીવને તેઓને ધોકામાં રાખી મૂક્યા છે અને આ કુરઆન વડે શિખામણ પણ આપતા રહો, જેથી કોઇ વ્યક્તિ પોતાના વ્યવહારના કારણે (એવી રીતે) ન ફસાઈ જાય કે અલ્લાહ સિવાય કોઇ મદદ કરનાર ન હોય, ન ભલામણ કરનાર, અને એવી સ્થિતિ હોય કે જો તે દુનિયા ભરીને મુક્તિદંડ આપી દે તો પણ તેની પાસેથી સ્વીકારવામાં ન આવે, આ તેવા જ લોકો છે જેઓ પોતાના વ્યવહારના કારણે ફસાઇ ગયા, તેઓ માટે ખૂબ જ ગરમ પાણી પીવા માટે હશે અને દુ:ખદાયી સજા હશે પોતાના ઇન્કારના કારણે.
૭૧) તમે કહી દો કે શું અમે અલ્લાહ તઆલા સિવાય એવી વસ્તુને પોકારીએ, કે ન તો અમને તે ફાયદો પહોંચાડે અને ન તો નુકસાન, અને શું અમે પાછા ફરી જઇએ તે પછી કે અમને અલ્લાહ તઆલાએ સત્ય માર્ગદર્શન આપી દીધું છે, જેવું કે કોઇ વ્યક્તિ હોય કે તેને શેતાનોએ કયાંક જંગલમાં પથભ્રષ્ટ કરી દીધો હોય અને તે ભટકેલો ફરતો હોય, તેના અમુક મિત્રો પણ હોય કે તેઓ તેને સાચા રસ્તા તરફ બોલાવી રહ્યા હોય, કે અમારી પાસે આવ, તમે કહી દો કે ખરેખર વાત છે કે સત્ય માર્ગ, તે ખાસ અલ્લાહનો જ માર્ગ છે અને અમને આ આદેશ આપવામાં આવ્યો છે કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના સંપૂર્ણ આજ્ઞાકારી બની જઇએ.
૭૨) અને એ કે નમાઝ કાયમ કરો અને તેનાથી ડરતા રહો અને તે જ છે જેની તરફ તમે સૌ ભેગા કરવામાં આવશો.
૭૩) અને તે જ છે જેણે આકાશો અને ધરતીનું સત્ય સાથે (ફાયદા માટે) સર્જન કર્યુ, અને જે સમયે અલ્લાહ તઆલા એટલું કહી દેશે, તું થઇ જા, બસ ! તે થઇ જશે, તેનું કહેવું સાચું અને અસરકારક છે અને દરેક સામ્રાજ્ય તેની જ હશે, જ્યારે કે સૂર ફૂંકવામાં આવશે, તે છૂપી અને જાહેર વસ્તુને સારી રીતે જાણે છે અને તે જ મોટી હિકમતવાળો, સંપૂર્ણ ખબર રાખનાર છે.
૭૪) અને તે સમયને પણ યાદ કરવા જેવો છે, જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) એ પોતાના પિતા આઝરને કહ્યું કે શું તમે મૂર્તિઓને પૂજ્ય ઠેરાવો છો ? નિ:શંક હું તમને અને તમારી કોમને ખુલ્લી પથભ્રષ્ટતામાં જોઇ રહ્યો છું.
૭૫) અને અમે આવી જ રીતે ઇબ્રાહીમ (અ.સ.) ને આકાશો અને ધરતીના સર્જન બતાવ્યા, જેથી સંપૂર્ણ ભરોસો કરનારાઓ માંથી થઇ જાય.
૭૬) પછી જ્યારે રાતનો અંધકાર તેમના પર છવાઇ ગયો, તો તેમણે એક તારો જોયો, તેમણે (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું કે આ મારો પાલનહાર છે, પરંતુ જ્યારે તે આથમી ગયો, તો તેમણે કહ્યું કે હું આથમી જનારને પસંદ નથી કરતો.
૭૭) પછી જ્યારે ચંદ્રને ચમકતો જોયો, તો કહ્યું કે આ મારો પાલનહાર છે, પરંતુ જ્યારે તે આથમી ગયો, તો તેમણે કહ્યું કે જો મને મારા પાલનહારે માર્ગદર્શન ન આપ્યું, તો હું પથભ્રષ્ટ લોકો માંથી થઇ જઇશ.
૭૮) પછી જ્યારે સૂર્યને ચમકતો જોયો, તો કહ્યું કે આ મારો પાલનહાર છે, આ તો સૌથી મોટો છે, પછી જ્યારે તે પણ આથમી ગયો તો, તેમણે કહ્યું કે નિ:શંક હું તમારા ભાગીદાર ઠેરવવાથી કંટાળેલો છું.
૭૯) હું મારો ચહેરો એકાગ્ર થઇ, તેની તરફ કરું છું, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને હું શિર્ક (ભાગીદાર ઠેરાવનારા) કરનારાઓ માંથી નથી.
૮૦) અને તેમની કોમના લોકો તકરાર કરવા લાગ્યા, તેમણે કહ્યું શું તમે અલ્લાહ વિશે મારી સાથે વિવાદ કરો છો, જો કે તેણે (અલ્લાહએ) મને સત્ય માર્ગદર્શન આપી દીધું છે અને હું તે વસ્તુઓથી, જેને તમે અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવો છો, નથી ડરતો, હાં જો મારો પાલનહાર જ કોઇ આદેશ આપવા ઇચ્છે, મારો પાલનહાર દરેક બાબતનું જ્ઞાન ધરાવે છે, શું તમે તો પણ વિચારતા નથી.
૮૧) અને હું તે વસ્તુથી કેવી રીતે ડરું, જેને તમે ભાગીદાર બનાવી છે, જો કે તમે તે વાતથી નથી ડરતા કે તમે લોકો અલ્લાહની સાથે એવી વસ્તુને ભાગીદાર ઠેરવી છે, જેના વિશે અલ્લાહ તઆલાએ કોઇ પૂરાવા અવતરિત નથી કર્યા, તો તે બન્ને જૂથો માંથી સલામતીનો વધારે હકદાર કોણ છે ? જો તમે જાણતા હોવ.
૮૨) જે લોકો ઈમાન ધરાવે છે અને પોતાના ઈમાનની સાથે શિર્કને ભેગા નથી કરતા, આવા જ લોકો માટે સલામતી છે, અને તે જ સત્ય માર્ગ પર ચાલી રહ્યા છે.
૮૩) અને આ અમારો પૂરાવો હતો, તે અમે ઇબ્રાહીમ (અ.સ.) ને તેમની કોમ માટે આપ્યો હતો, અમે જેને ઇચ્છીએ છીએ, દરજ્જા માં વધારો કરીએ છીએ, નિ:શંક તમારો પાલનહાર ખૂબ જ હિકમતવાળો, ખૂબ જ જાણનાર છે.
૮૪) અને અમે તેઓને ઇસ્હાક આપ્યા અને યાકૂબ, દરેકને અમે સત્યમાર્ગ તરફ માર્ગદર્શન આપ્યું અને ભૂતકાળમાં અમે નૂહને સત્યમાર્ગ બતાવ્યો અને તેમના સંતાનો માંથી દાઊદ (અ.સ.), સુલૈમાન (અ.સ.), અય્યુબ (અ.સ.), યૂસુફ (અ.સ.), મૂસા (અ.સ.), હારૂન (અ.સ.) અને તેવી જ રીતે સત્કાર્ય કરવાવાળાને બદલો આપતા રહીએ છીએ.
૮૫) અને ઝકરિયા (અ.સ.), યહ્યા (અ.સ.), ઈસા (અ.સ.) અને ઇલ્યાસ (અ.સ.), સૌ સદાચારી લોકો માંથી હતા.
૮૬) અને તેવી જ રીતે ઇસ્માઇલ (અ.સ.), ય-સ-અ (અ.સ.), યૂનુસ (અ.સ.), લૂત (અ.સ.) અને દરેકને સમગ્ર સૃષ્ટિના લોકો પર અમે પ્રાથમિકતા આપી.
૮૭) અને એવી જ રીતે તેઓના કેટલાક બાપ-દાદાઓને અને કેટલાક સંતાનોને અને કેટલાક ભાઇઓને અને અમે તેઓને પસંદ કરી લીધા અને અમે તેઓને સત્ય માર્ગદર્શન આપ્યું.
૮૮) અલ્લાહનું માર્ગદર્શન જ છે જેના વડે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેને માર્ગદર્શન આપે છે, અને જો આ લોકો (ઉપર જણાવેલ લોકો માંથી) પણ શિર્ક (અલ્લાહ સાથે ભાગીદાર) કરતા, તો જે કંઈ કાર્યો કરતા તે સૌ વ્યર્થ થઇ જાત.
૮૯) આ લોકો એવા હતા કે અમે તેઓને કિતાબ અને હિકમત અને પયગંબરી આપી હતી, જો આ લોકો પયગંબરીનો ઇન્કાર કરે તો, અમે તેના માટે એવા ઘણા લોકો નક્કી કરી દીધા છે, જે આનો ઇન્કાર કરનારા નથી.
૯૦) આ જ લોકો એવા હતા, જેમને અલ્લાહ તઆલાએ માર્ગદર્શન આપ્યું હતું, તો તમે પણ તેઓના માર્ગ પર ચાલો, તમે કહી દો કે હું તમારા પાસેથી તે વિશે કંઈ વળતર નથી ઇચ્છતો, આ તો ફકત સમગ્ર માનવજાતિ માટે એક શિખામણ છે.
૯૧) અને તે લોકોએ અલ્લાહ તઆલાની જેવી કદર કરવી જરૂરી હતી, તેવી કદર ન કરી, પરંતુ એવું કહી દીધું કે અલ્લાહએ કોઇ વ્યક્તિ પર કંઈ પણ અવતરિત નથી કર્યું, તમે એવું કહી દો કે તે કિતાબ કોણે અવતરિત કરી છે, જે મૂસા પાસે હતી, જે દરેક લોકો માટે પ્રકાશ અને માર્ગદર્શન હતી, જેને તમે તે વિરોધી કાગળો સાથે મૂકી રાખી છે, જેને જાહેર કરો છો અને ઘણી વાતોને છૂપાવો છો, અને તમને ઘણી એવી વાતો જણાવવામાં આવી છે, જેને તમે જાણતા ન હતા અને ન તો તમારા પૂર્વજો, તમે કહી દો કે અલ્લાહ તઆલાએ અવતરિત કરી છે, પછી તેઓને તેઓની અંધશ્રદ્ધામાં રમતા છોડી દો.
૯૨) અને આ પણ તેના જેવી જ કિતાબ છે જેને અમે અવતરિત કરી છે, જે ઘણી બરકતવાળી છે, પોતાના પહેલાની કિતાબોની પુષ્ટિ કરનારી છે, જેથી તમે મક્કા વાસીઓને અને આસ-પાસના લોકોને ડરાવો, અને જે લોકો આખિરતને માને છે, એવા લોકો તે (કિતાબ) પર ઈમાન લઇ આવે છે અને તે લોકો હંમેશા નમાઝ કાયમ કરે છે.
૯૩) અને તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હશે, જે અલ્લાહ તઆલા પર જૂઠો આરોપ મૂકે અથવા એવું કહે કે મારા પર વહી આવે છે, જો કે તેની પાસે કોઇ પણ વાતની વહી નથી આવી, અને જે વ્યક્તિ એવું કહે છે કે જેવી વાણી અલ્લાહએ અવતરિત કરી છે તેના જેવી જ હું પણ લાવું છું અને જો તમે તે સમયે જોશો, જ્યારે કે આ અત્યાચારી લોકો મૃત્યુની કઠણાઇઓમાં હશે અને ફરિશ્તાઓ પોતાન હાથ લંબાવતા હશે કે, હાં પોતાના જીવો કાઢો. આજે તમને અપમાનિત કરવામાં આવશે, તે કારણે કે તમે અલ્લાહ તઆલા વિશે જૂઠી વાતો કહેતા હતા. અને તમે અલ્લાહ તઆલાની આયતો સામે ઇતરાતા હતા.
૯૪) અને તમે અમારી પાસે એકલા આવી ગયા, જે રીતે અમે તમારું સર્જન પહેલી વખત કર્યુ હતું અને જે કંઈ પણ અમે તમને આપ્યું હતું તેને પોતાની પાછળ જ છોડી આવ્યા અને અમે તો તમારી સાથે તમારા તે ભલામણ કરનારાઓને નથી જોઇ રહ્યા જેનું નામ લઇ તમે દાવો કરતા હતા, કે તેઓ તમારા કાર્યોમાં ભાગીદાર છે, ખરેખર તમારા અંદરોઅંદર તો ઝઘડો થઇ ગયો અને તમારો તે દાવો નિષ્ફળ થઇ ગયો.
૯૫) નિ:શંક અલ્લાહ તઆલા બીજ અને ઠળિયાને ફાડનાર છે, તે સજીવને નિર્જીવ માંથી કાઢે છે અને તે નિર્જીવને સજીવ માંથી કાઢનાર છે. અલ્લાહ તઆલા આ છે, તો તમે ક્યાં પાછા ફરી રહ્યા છો ?
૯૬) તે સવારને લાવનાર અને તેણે રાતને આરામ માટે બનાવી છે અને સૂર્ય અને ચંદ્રને હિસાબ સાથે રાખ્યા છે, આ નક્કી વાત છે, તે હસ્તીની જે શક્તિશાળી છે, બધું જ જાણવાવાળો છે.
૯૭) અને તે એવો છે જેણે તમારા માટે તારાઓનું સર્જન કર્યું, જેથી તમે તેના વડે અંધારામાં, ધરતી પર અને દરિયાઓમાં પણ રસ્તો શોધી શકો, નિ:શંક અમે પૂરાવા ખૂબ સારી રીતે વર્ણન કરી દીધા, તે લોકો માટે જે જ્ઞાની છે.
૯૮) અને તે એવો છે જેણે તમને એક વ્યક્તિ દ્વારા પેદા કર્યા, પછી એક જ્ગ્યા હંમેશા માટેની છે અને એક જ્ગ્યા થોડાક સમય માટેની છે, નિ:શંક અમે પૂરાવા ખૂબ સારી રીતે સ્પષ્ટ કરી દીધા, તે લોકો માટે, જે બુદ્ધિશાળી છે.
૯૯) અને તે એવો છે જેણે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી અમે તેના વડે દરેક પ્રકારના છોડને ઉગાડ્યા, પછી અમે તેનાથી લીલી ડાળી ઉગાડી, કે તેનાથી અમે ઉપરની તરફ દાણા કાઢીએ છીએ અને ખજૂરના વૃક્ષોથી એટલે કે તેના ગુચ્છા માંથી ઝૂમખા પેદા કર્યા જે વજનથી લટકી પડે છે અને દ્રાક્ષ ના બગીચા અને ઝૈતૂન અને દાડમના, કેટલાક એકબીજાથી સમાન હોય છે અને કેટલાક એક બીજા જેવા નથી હોતા, દરેકના ફળોને જૂઓ, જ્યારે તે ફળે છે, અને તેના પાકી જવાને જૂઓ, તેમાં નિશાનીઓ છે, તે લોકો માટે જેઓ ઈમાન ધરાવે છે.
૧૦૦) અને તે લોકોએ શૈતાનોને અલ્લાહ તઆલાના ભાગીદાર ઠેરવી રાખ્યા છે, જોકે તે લોકોનું સર્જન અલ્લાહ તઆલાએ જ કર્યુ અને તે લોકોએ અલ્લાહ વિશે દીકરા અને દીકરીઓ પૂરાવા વગર ઠેરવી રાખ્યા છે અને તે પવિત્ર અને ઉચ્ચ છે તે વાતોથી જે આ લોકો કહે છે.
૧૦૧) તે આકાશો અને ધરતીનો સર્જનહાર છે, અલ્લાહ તઆલાના સંતાન કેવી રીતે હોઇ શકે છે જેની કોઇ પત્ની જ નથી, અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનું સર્જન કર્યું અને તે દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે.
૧૦૨) આ જ અલ્લાહ તઆલા તમારો પાલનહાર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, દરેક વસ્તુનું સર્જન કરનાર, તો તમે તેની બંદગી કરો, અને તે દરેક વસ્તુનો કાર્યકર્તા છે.
૧૦૩) કોઇ દૃષ્ટિ તેને પામી શકતી નથી અને તે દરેક દૃષ્ટિને ઓળખી જાય છે, તે અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિવાળો અને ખૂબ માહિતગાર છે.
૧૦૪) હવે કોઇ શંકા વગર તમારી પાસે તમારા પાલનહાર તરફથી સત્ય વાત પહોંચી ગઇ છે, તો હવે જે વ્યક્તિ જોઇ લેશે તે પોતાનો ફાયદો કરશે અને જે વ્યક્તિ આંધળો રહેશે તે પોતાનું નુકસાન કરશે, અને હું તમારો નિરીક્ષક નથી.
૧૦૫) અને અમે આવી રીતે પૂરાવાને અલગ-અલગ રીતે વર્ણન કરીએ છીએ, જેથી આ લોકો એવું કહે કે તમે કોઇની પાસેથી શીખી લીધું છે અને જેથી અમે બુદ્ધિશાળી લોકો માટે ખૂબ જ જાહેર કરી દઇએ.
૧૦૬) તમે પોતે આ માર્ગ પર ચાલતા રહો જેની વહી તમારા પાલનહાર તરફથી તમારી પાસે આવી છે, અલ્લાહ તઆલા સિવાય કોઇ પૂજ્ય નથી અને મુશરિકોની પાછળ ન પડશો.
૧૦૭) અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો શિર્ક ન કરતા, અને અમે તમને તેઓ માટે નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તો તમે તેમના પર અધિકાર ધરાવો છો.
૧૦૮) અને અપશબ્દો ન બોલો તેને, જેઓને આ લોકો અલ્લાહને છોડીને પૂજા કરે છે, કારણ કે ફરી તે લોકો અણસમજ ના કારણે, હદ વટાવી અલ્લાહ તઆલાની શાનમાં અપશબ્દો કહેશે, અમે આવી જ રીતે દરેક જૂથોના કાર્યો મોહક બનાવી દીધા છે, પછી પોતાના પાલનહાર પાસે જ તેઓને પાછા ફરવાનું છે, તો તે (અલ્લાહ) તેઓને બતાવી દેશે જે કંઈ પણ તેઓ કરતા હતા.
૧૦૯) અને તે લોકોએ સોગંદોમાં, ઘણો ભાર લગાવી અલ્લાહ તઆલાની સોગંદ ખાધી કે જો તેઓની પાસે કોઇ નિશાની આવી જાય, તો તે ખરેખર તેના પર ઈમાન લઇ આવશે, તમે કહી દો કે દરેક નિશાની અલ્લાહની પકડમાં છે અને તમને તેની શી ખબર કે તે નિશાની જે સમયે આવી પહોંચશે, આ લોકો તો પણ ઈમાન નહીં લાવે.
૧૧૦) અને અમે પણ તેઓના હૃદયોને અને તેઓની દૃષ્ટિઓને ફેરવી નાખીશું, જેવું કે આ લોકો તેના પર પ્રથમ વખત ઈમાન ન લાવ્યા, અને અમે તેઓને તેઓની પથભ્રષ્ટતામાં પરેશાન રહેવા દઇશું.
૧૧૧) અને જો અમે તેઓની પાસે ફરિશ્તાઓને મોકલી દેતા અને તેઓ સાથે મૃતકો વાતો કરવા લાગતા, અને અમે તે દરેક નિશાનીઓ તેઓની આંખો સમક્ષ રજૂ કરીએ છીએ, તો પણ આ લોકો કયારેય ઈમાન ન લાવતા, હાં જો અલ્લાહ ઇચ્છે તો વાત અલગ છે, પરંતુ તેઓમાં વધુ લોકો અજ્ઞાનતાની વાતો કરે છે.
૧૧૨) અને આવી જ રીતે અમે દરેક પયગંબર ના શત્રુઓ, ઘણા શેતાનોનું સર્જન કર્યુ છે, કેટલાક માનવીઓ માંથી અને કેટલાક જિન્નાતો માંથી, જેમાંથી કેટલાક લોકો કેટલાકને મીઠી-મીઠી વાતોમાં ભટકાવે છે, જેથી તેઓને ધોકામાં નાંખી દે અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો આવા કાર્યો ન કરતા, તો તે લોકોને અને જે કંઈ પણ જૂઠાણું ઠેરવી રહ્યા છે, તેને તમે છોડી દો.
૧૧૩) અને જેથી તેની તરફ તે લોકોના હૃદયો ઝૂકી જાય, જેઓ આખેરત પર ઈમાન નથી ધરાવતા અને જેથી તેને પસંદ કરી લે અને જે (બૂરાઈ) તે લોકો કરવા ઇચ્છે છે તે કરે.
૧૧૪) તો શું અલ્લાહ સિવાય કોઇ બીજા નિર્ણય કરનારને શોધું ? જો કે તે એવો છે કે તેણે એક પૂરી કિતાબ તમારી પાસે અવતરિત કરી, તેના પાઠોનું ખૂબ સ્પષ્ટ રીતે વર્ણન કર્યુ છે અને જે લોકોને અમે કિતાબ આપી છે તે, આ વાતને ચોક્કસપણે જાણે છે કે આ (કુરઆન) તમારા પાલનહારે સત્ય સાથે અવતરિત કર્યું છે. તો તમે શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જાવ.
૧૧૫) તમારા પાલનહારની વાણી સત્ય અને ન્યાયની રીતે પૂરતી છે, તેની વાણીને કોઇ બદલી શકતું નથી અને તે ખૂબ સારી રીતે સાંભળનાર, જાણનાર છે.
૧૧૬) અને દુનિયામાં વધારે પડતા લોકો એવા છે કે જો તમે તેઓનું કહેવું માનવા લાગો, તો તેઓ તમને અલ્લાહના માર્ગથી હટાવી દેશે, તે ફકત કાલ્પનિક વાતોનું અનુસરણ કરે છે, અને અનુમાન કરે છે.
૧૧૭) નિ:શંક તમારો પાલનહાર તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે તેના માર્ગથી હટી જાય છે. અને તે તેઓને પણ ખૂબ સારી રીતે જાણે છે જે લોકો તેના માર્ગ પર ચાલે છે.
૧૧૮) તો જે જાનવર પર અલ્લાહનું નામ લેવામાં આવે તેને ખાઓ, જો તમે તેના આદેશો પર ઈમાન ધરાવતા હોવ.
૧૧૯) અને શું કારણ છે કે તમે તે જાનવરને ન ખાઓ, જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, જો કે અલ્લાહ તઆલાએ તે દરેક જાનવરોનું વર્ણન કરી દીધું છે, જેને તમારા પર હરામ કર્યું છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં હલાલ છે (એટલે કે ખાઇ શકો છો) અને આ ચોક્કસ વાત છે કે ઘણા લોકો પોતાના વિચારો પર કોઇ પુરાવા વગર લોકોને પથભ્રષ્ટ કરે છે, તેમાં કોઇ શંકા નથી કે અલ્લાહ તઆલા હદ વટાવી દેનારાઓને ખૂબ સારી રીતે જાણે છે.
૧૨૦) અને તમે ખુલ્લા અને છૂપા પાપોને છોડી દો, નિ:શંક જે લોકો પાપ કરી રહ્યા છે, તેઓને તેઓના કાર્યોની નજીક માંજ સજા મળશે.
૧૨૧) અને એવા જાનવરો ન ખાઓ, જે અલ્લાહના નામ પર (ઝબહ) કરવામાં ન આવ્યા હોય, આ કાર્ય અવજ્ઞા છે અને ખરેખર શેતાન પોતાના મિત્રોના હૃદયોમાં નાખે છે, જેથી આ લોકો તમારી સાથે ઝઘડો કરે અને જો તમે તેઓનું અનુસરણ કરવા લાગો તો, ખરેખર તમે મુશરિક થઇ જશો.
૧૨૨) એવો વ્યક્તિ જે પહેલા મૃત હતો, પછી અમે તેને જીવિત કરી દીધો અને અમે તેને એક એવો પ્રકાશ આપી દીધો કે તે તેને લઈ, લોકો વચ્ચે હરે ફરે છે, શું આવો વ્યક્તિ તે વ્યક્તિ જેવો થઇ શકે છે જે અંધકાર માંથી નીકળી જ નથી શકતો, આવી જ રીતે ઇન્કાર કરનારાઓને તેઓના કાર્યો, ઉત્તમ લાગે છે.
૧૨૩) અને આવી જ રીતે અમે દરેક વસ્તીમાં ત્યાંના આગેવાનોને જ અપરાધ કરનારા બનાવ્યા, જેથી તે લોકો ત્યાં વિદ્રોહ કરે, પરંતુ તેઓ પોતાની સાથે જ વિદ્રોહ કરી રહ્યા છે અને તેઓને થોડી પણ જાણ નથી,
૧૨૪) અને જ્યારે તેઓ પાસે કોઇ આયત પહોંચે છે તો એવું કહે છે કે, અમે તો કયારેય ઈમાન નહીં લાવીએ, જ્યાં સુધી અમને પણ એવી જ વસ્તુ આપવામાં ન આવે જે અલ્લાહના પયગંબરોને આપવામાં આવે છે, આ તો અલ્લાહ ખૂબ જ સારી રીતે જાણે છે કે, તે કયાં પોતાની પયગંબરી રાખે, નજીકમાં જ તે લોકોને, જેમણે અપરાધ કર્યો છે, અલ્લાહની પાસે અપમાનિત થશે અને તેઓની મસ્તીના બદલામાં સખત સજા (થશે).
૧૨૫) તો જે વ્યક્તિને અલ્લાહ તઆલા માર્ગ પર લાવવા ઇચ્છે તેના હૃદયને ઇસ્લામ માટે ખોલી દે છે અને જેને પથભ્રષ્ટ કરવા ઇચ્છે તેના હૃદયને ઘણું જ તંગ કરી દે છે, જેવું કોઇ આકાશ પર ચઢે છે, આવી જ રીતે અલ્લાહ તઆલા ઈમાન ન લાવવાવાળાઓ પર નાપાકી નાખી દે છે,
૧૨૬) અને આ જ તારા પાલનહારનો સત્ય માર્ગ છે, અમે શિખામણ પ્રાપ્ત કરવાવાળાઓ માટે આ આયતોને સ્પષ્ટ રીતે વર્ણન કરી દીધી છે.
૧૨૭) તે લોકો માટે તેઓના પાલનહાર પાસે સલામતીવાળું ઘર છે અને અલ્લાહ તેઓને પસંદ કરે છે, તેઓના કાર્યોના કારણે.
૧૨૮) અને જે દિવસે અલ્લાહ તઆલા દરેકને ભેગા કરશે, (કહેશે) હે જિન્નાતોનું જૂથ ! તમે માનવીઓ માંથી ઘણા લોકોને અપનાવી લીધા, જે માનવી તેઓની સાથે હતા, કહેશે કે હે અમારા પાલનહાર ! અમારા માંથી એકે બીજા દ્વારા ફાયદો ઉઠાવ્યો અને અમે પોતાના નક્કી કરેલ સમય સુધી આવી પહોંચ્યા જે તે અમારા માટે નક્કી કર્યો હતો, અલ્લાહ કહેશે કે તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે જેમાં હંમેશા રહેશો, હાં અલ્લાહ ઇચ્છે તો અલગ વાત છે, નિ:શંક તમારો પાલનહાર ઘણો જ હિકમતવાળો, જ્ઞાનવાળો છે.
૧૨૯) અને આવી જ રીતે અમે કેટલાક ઇન્કાર કરનારાઓને કેટલાક ઇન્કાર કરનારાઓની નજીક રાખીશું, તેઓના કાર્યોના કારણે.
૧૩૦) હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! શું તમારી પાસે તમારા માંથી જ પયગંબર નથી આવ્યા, જે તમારી સમક્ષ મારા આદેશોનું વર્ણન કરતા હતા, અને તમને આ દિવસની ખબર આપતા હતા ? તે સૌ કહેશે કે અમે માનીએ છીએ અને તેઓને દુનિયાના જીવને (આખેરતના જીવનને) ભૂલાવી દીધું અને આ લોકો પોતે ઇન્કાર કરનારા છે, તેવું માની લેશે.
૧૩૧) આ એટલા માટે છે કે તમારો પાલનહાર કોઇ વસ્તીના લોકોને ઇન્કારના કારણે એવી સ્થિતિમાં નષ્ટ નથી કરતો કે, તે વસ્તીના રહેવાસીઓ અજાણ હોય.
૧૩૨) અને દરેકના માટે તેઓના કાર્યોના બદલામાં દરજ્જા મળશે અને તમારો પાલનહાર તેઓના કાર્યોથી અજાણ નથી.
૧૩૩) અને તમારો પાલનહાર ઘણો જ ગની (ધનવાન), દયાવાન છે, જો તે ઇચ્છે તો તમારા સૌને ઉઠાવી લે અને તમારા પછી જેને ઇચ્છે તમારા બદલામાં વસાવી દે, જેવું કે તમને એક બીજી કોમની પેઢી માંથી પેદા કર્યા છે.
૧૩૪) જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, તે ચોક્કસ આવનારી છે અને તમે રોકી શકતા નથી.
૧૩૫) તમે એવું કહી દો કે હે મારી કોમના લોકો ! તમે પોતાની જગ્યાઓ પર કર્મ કરતા રહો, હું પણ કર્મો કરતો રહીશ, હવે નજીકમાં જ તમને ખબર પડી જશે કે કે આ જગતનું પરિણામ કોના માટે લાભદાયક હશે, આ ચોક્કસ વાત છે કે અત્યાચારીઓ કયારેય સફળ નહીં થાય.
૧૩૬) અને અલ્લાહ તઆલાએ જે ખેતી અને જાનવરોનું સર્જન કર્યુ છે, તે લોકોએ તેમાંથી થોડોક ભાગ અલ્લાહ માટે નક્કી કર્યો અને તમે પોતે કહો છો કે આ તો અલ્લાહ માટે છે અને આ અમારા પૂજ્યો માટે છે, પછી જે વસ્તુ તેઓના પૂજ્યોની હોય છે, તે તો અલ્લાહ સુધી નથી પહોંચતી, અને જે વસ્તુ અલ્લાહની હોય છે તે તેઓના પૂજ્યો સુધી પહોંચી જાય છે, કેટલો ખરાબ નિર્ણય તેઓ કરે છે.
૧૩૭) અને આવી જ રીતે ઘણા મુશરિકો ના વિચારમાં તેઓના પૂજ્યોએ તેઓના સંતાનની હત્યા કરવાને સુંદર બનાવી દીધી છે, જેથી તે તેમને નષ્ટ કરી દે અને જેથી તેમને તેમના ધર્મ વિશે શંકામાં નાંખી દે અને જો અલ્લાહ ઇચ્છતો તો આ લોકો આવું કાર્ય ન કરતા, તો તમે તેઓને અને જે કંઈ તેઓ ખોટી વાતો કહી રહ્યા છે, આમ જ રહેવા દો.
૧૩૮) અને તેઓ પોતાના વિચારો દ્વારા એમ પણ કહે છે કે આ કેટલાક જાનવરો અને ખેતરો છે જેનો વપરાશ દરેક લોકો માટે નથી, તેઓને કોઇ નથી ખાઈ શકતું ફકત તે જ લોકો (ખાઈ શકે છે) જેને અમે ઇચ્છીએ અને જાનવરો છે જેના પર સવારી અને ભાર ઉઠાવવાને હરામ કરી દીધું અને કેટલાક જાનવરો છે જેના પર આ લોકો અલ્લાહ તઆલાનું નામ નથી લેતા, ફકત અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, હવે અલ્લાહ તઆલા તેઓના જૂઠની સજા આપી દેશે.
૧૩૯) અને તેઓ કહે છે કે જે વસ્તુ તે જાનવરોના પેટમાં છે, તે ફકત અમારા પુરુષો માટે જ છે, અને અમારી સ્ત્રીઓ પર હરામ છે અને જો મૃત છે તો તેમાં સૌનો ભાગ છે, હવે અલ્લાહ તેઓને તેમના જૂઠાણાંની સજા આપી દેશે, નિ:શંક તે હિકમતવાળો અને ઘણો જ જ્ઞાની છે.
૧૪૦) ખરેખર તેઓ નુકસાનમાં પડી ગયા, જેમણે પોતાના સંતાનને ફકત અજ્ઞાનતા અને મૂર્ખતાના કારણે કતલ કરી દીધા, અને જે વસ્તુ તે લોકોને અલ્લાહએ ખાવા-પીવા માટે આપી, તેને હરામ ઠેરવી દીધી, અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, નિ:શંક આ લોકો પથભ્રષ્ટતામાં પડી ગયા અને ક્યારેય સત્યમાર્ગ પર ચાલવાવાળા ન બન્યા.
૧૪૧) અને તે જ છે જેણે બગીચાઓ બનાવ્યા, તેના પર વેલ ચઢાવવામાં આવી છે અને તેવા (બગીચાઓ) પણ, જેમના પર વેલ ચઢાવવામાં આવી નથી, અને ખજૂરના વૃક્ષો, અને ખેતરો જેમાં ખાવાની વસ્તુઓ અલગ-અલગ પ્રકારની હોય છે અને ઝૈતૂન અને દાડમ, જે સમાન હોય છે અને અસમાન પણ હોય, તે દરેક પ્રકારના ફળો માંથી ખાઓ જ્યારે તે ઉગે અને તેમાં જે હક જરૂરી છે, તે તેમની કાપણી વખતે આપી દો, અને હદ વટાવી જનાર ન બનો, ખરેખર તે (અલ્લાહ) હદ વટાવી જનારને પસંદ નથી કરતો.
૧૪૨) અને લાંબા તથા ઠીંગણા જાનવરોનું (સર્જન કર્યું), જે કંઈ અલ્લાહએ તમને આપ્યું છે ખાઓ, અને શેતાનનું અનુસરણ ન કરો, નિ:શંક તે તમારો ખુલ્લો શત્રુ છે.
૧૪૩) (સર્જન કર્યું) આઠ પ્રકારના નર અને માદા, એટલે કે ઘેટાની જાતમાં બે પ્રકાર અને બકરીમાં બે પ્રકાર, તમે કહી દો કે શું અલ્લાહએ તે બન્ને નરોને અથવા તે બન્ને માદાઓને હરામ કર્યા છે ? અથવા તેને જે બન્ને માદાના પેટમાં છે ? તમે મને કોઇ પુરાવા તો બતાવો જો તમે સાચા હોવ.
૧૪૪) અને ઊંટમાં બે પ્રકાર અને ગાયમાં બે પ્રકાર, તમે કહી દો કે શું અલ્લાહએ તે બન્ને નરોને અથવા તે બન્ને માદાઓને હરામ કર્યા છે ? અથવા તેને જે બન્ને માદાના પેટમાં છે ? શું તમે હાજર હતા જ્યારે અલ્લાહ તઆલાએ આનો આદેશ આપ્યો ? તો તેના કરતા વધારે કોણ અત્યાચારી હોઇ શકે છે જે અલ્લાહ તઆલા પર કોઇ પુરાવા વગર જૂઠ બાંધે, જેથી લોકોને પથભ્રષ્ટ કરે, નિ:શંક અલ્લાહ તઆલા અત્યાચારી લોકોને માર્ગદર્શન નથી આપતો.
૧૪૫) તમે કહી દો કે જે કંઈ આદેશો વહી દ્વારા મારી પાસે આવ્યા, તેમાં તો હું કોઇ હરામ નથી જોતો, કોઇ ખાવાવાળા માટે જે તેને ખાય, પરંતુ એ કે તે (જાનવર) મૃતક હોય, અથવા કે વહેતું લોહી હોય, અથવા ડુક્કરનું માંસ હોય, કારણ કે તે તદ્દન નાપાક છે, અથવા એવું (જાનવર) કે જે અલ્લાહના નામ સિવાય બીજા પૂજ્યોના નામ પર છોડી દેવામાં આવ્યું હોય, પછી જે વ્યક્તિ લાચાર બની જાય (તો તે ખાઇ શકે છે), શરત એ છે કે તે શોખ માટે ન ખાતો હોય અને ન તો હદવટાવી દેનાર હોય, તો ખરેખર તમારો પાલનહાર માફ કરનાર, દયાળુ છે.
૧૪૬) અને યહૂદીઓ માટે અમે દરેક નખવાળા જાનવર હરામ કરી દીધા હતા, ગાય અને બકરી, તે બન્નેની ચરબી હરામ કરી દીધી હતી, પરંતુ (તે ચરબી) જે તેઓની પીઠ અને આંતરડા પર હોય, અથવા જે હાડકા સાથે હોય (તે હલાલ કરી), તેઓના વિદ્રોહના કારણે અમે તેઓને આ સજા આપી અને અમે ખરેખર સાચા છે.
૧૪૭) પછી જો આ તમને જુઠ્ઠાં કહે, તો તમે કહી દો કે, તમારો પાલનહાર ઘણો જ વિશાળ દયાળુ છે અને તેની યાતના અપરાધીઓ માટે ટાળવામાં નહીં આવે.
૧૪૮) આ મુશરિકો કહેશે કે, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો, ન અમે શિર્ક કરતા અને ન તો અમારા પૂર્વજો, અને ન તો અમે કોઇ વસ્તુને હરામ ઠેરવતા, આવી જ રીતે જે લોકો તેમના કરતા પહેલા હતા, તેઓએ પણ જુઠલાવ્યું હતું, અહીં સુધી કે તેઓએ અમારી યાતનાનો સ્વાદ ચાખ્યો, તમે કહી દો કે શું તમારી પાસે કોઇ પુરાવો છે તો તેને અમારી સમક્ષ જાહેર કરો ? તમે તો ફકત કાલ્પનિક વાતો જ કહો છો અને તમે તદ્દન નકામી વાતો કરો છો.
૧૪૯) તમે કહી દો કે બસ સાચા પુરાવા અલ્લાહ પાસે જ છે, પછી જો તે ઇચ્છતો તો તમને સૌને સત્યમાર્ગ બતાવી દીધો હોત.
૧૫૦) તમે કહી દો કે, પોતાના સાક્ષીઓને લાવો, જેઓ તે વાતની સાક્ષી આપે કે, અલ્લાહએ તે વસ્તુને હરામ ઠેરવી છે, પછી જો તેઓ સાક્ષી આપી દે તો, તમે તેની સાક્ષી ન આપો અને એવા લોકોના ખોટા વિચારોનું અનુસરણ ન કરશો, જેઓ અમારી આયતોને જુઠલાવે છે અને તે આખેરત ના દિવસ પર ઈમાન નથી ધરાવતા અને તેઓ પોતાના પાલનહાર સાથે બીજાને ભાગીદાર ઠેરવે છે.
૧૫૧) તમે કહી દો કે આવો, હું તમને તે વસ્તુ પઢી સંભળાવું, જેને તમારા પાલનહારે તમારા પર હરામ ઠેરવ્યું છે, તે આ છે કે, અલ્લાહની સાથે કોઇ પણ વસ્તુને ભાગીદાર ન ઠેરવો અને માતા-પિતા સાથે ઉપકારભર્યું વતન કરો અને પોતાના સંતાનને ગરીબીના કારણે કતલ ન કરો, અમે તમને અને તેઓને રોજી આપીએ છીએ અને અશ્લીલતાના જેટલા માર્ગ છે તેની પાસે પણ ન ભટકો, ભલેને તે જાહેર હોય કે છૂપા, અને જેને કતલ કરવા પર અલ્લાહ તઆલાએ હરામ ઠેરવ્યું છે, તેને કતલ ન કરો, હાં પરંતુ સત્યની સાથે, આ વસ્તુઓની શીખ તેણે તમને ભારપૂર્વક આપી છે જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો.
૧૫૨) અને અનાથોના ધન પાસે ન જાઓ, પરંતુ એવી રીતે જે શ્રેષ્ઠ હોય, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને માપ-તોલ પૂરેપૂરું કરો, ન્યાયથી, અમે કોઇ વ્યક્તિને તેની શક્તિથી વધારે તકલીફ નથી આપતા, અને જ્યારે તમે વાત કરો તો ન્યાય કરો, ભલેને તે વ્યક્તિ સગા સંબંધી માંથી હોય, અને અલ્લાહ તઆલા સાથે જે વચન કર્યુ છે તેને પુરું કરો, આ વસ્તુનો આદેશ અલ્લાહ તઆલાએ તમને ભાર પૂર્વક આપ્યો છે જેથી તમે સમજો.
૧૫૩) અને એ કે આ દીન મારો માર્ગ છે જે સત્ય છે, તો તે માર્ગ પર ચાલો અને બીજા માર્ગો પર ન ચાલો, કે તે માર્ગ તમને અલ્લાહના માર્ગથી અલગ કરી દેશે, આ વસ્તુનો આદેશ અલ્લાહ તઆલાએ તમને ભાર પૂર્વક આપ્યો છે, જેથી તમે ડરવા લાગો.
૧૫૪) પછી અમે મૂસા (અ.સ.
) ને કિતાબ આપી હતી, જેનું સારી રીતે અનુસરણ કરવાવાળા ને ઇનામ મળે, અને દરેક આદેશો સ્પષ્ટ થઇ જાય, અને માર્ગદર્શન મળે અને (તેઓના પર) દયા કરવામાં આવે, જેથી તે લોકો પોતાના પાલનહારની મુલાકાત પર ઈમાન લાવે.
૧૫૫) અને આ એક ખૂબ જ બરકત અને ભલાઇવાળી કિતાબ છે, જેને અમે અવતરિત કરી, તો તેનું અનુસરણ કરો અને ડરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે.
૧૫૬) ક્યાંક તમે એવું ન કહી દો કે, કિતાબ તો ફકત અમારા પહેલા બે જૂથો હતા, તેમના માટે અવતરિત કરવામાં આવી હતી અને અમને કંઈ ખબર ન હતી કે તેઓ શું પઢતા-પઢાવતા હતા.
૧૫૭) અથવા એવું ન કહી દો કે જો અમારા પર કોઇ કિતાબ અવતરિત કરવામાં આવતી તો, અમે તેમના કરતા પણ વધારે માર્ગદર્શન મેળવતા, તો હવે તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક કિતાબ, સ્પષ્ટ અને માર્ગદર્શક તથા કૃપા આવી પહોંચી છે, હવે તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે જે અમારી આ આયતોને જૂઠ ઠેરવે અને તેનાથી રોકે, અમે નજીક માંજ તે લોકોને જેઓ અમારી આયતોથી રોકે છે, તેઓના રોકવાના કારણે સખત યાતના આપીશું.
૧૫૮) શું આ લોકો ફકત તે આદેશની રાહ જુએ છે કે, તેઓ પાસે ફરિશ્તાઓ આવે અથવા તેમની પાસે તમારો પાલનહાર આવે, અથવા તમારા પાલનહારની કોઇ (મોટી) નિશાની આવે ? જે દિવસે તમારા પાલનહારની કોઇ મોટી નિશાની આવી પહોંચશે, કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય, તમે કહી દો કે તમે રાહ જુઓ, અમે પણ રાહ જોઇ રહ્યા છે.
૧૫૯) નિ:શંક જે લોકોએ પોતાના દીનને અલગ કરી દીધો અને જૂથ બની ગયા, તમારો તેમની સાથે કોઇ સંબંધ નથી, બસ ! તે લોકોનો નિર્ણય તો ફકત અલ્લાહ પાસે જ છે, પછી તેઓને તેમના કર્મો બતાવી દઇશું.
૧૬૦) જે વ્યક્તિ સત્કાર્ય કરશે, તેને તેના કરતા દસ ગણું વળતર મળશે, અને જે વ્યક્તિ ખોટું કાર્ય કરશે તેને તેના (ગુના) જેટલી જ સજા મળશે, અને તે લોકો પર અત્યાચાર કરવામાં નહીં આવે.
૧૬૧) તમે કહી દો કે મને મારા પાલનહારે એક સીધો માર્ગ બતાવ્યો છે, કે જે તદ્દન સાચો દીન છે, જે ઇબ્રાહીમ (અ.સ.)નો માર્ગ છે, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તેઓ મુશરિક ન હતા.
૧૬૨) તમે કહી દો કે, નિ:શંક મારી નમાઝ, અને મારી દરેક બંદગીઓ અને મારું જીવન અને મારું મૃત્યુ, આ બધું ફકત અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો માલિક છે.
૧૬૩) તેનો કોઇ ભાગીદાર નથી, અને મને તેનો જ આદેશ આપવામાં આવ્યો છે, અને હું દરેક માનવાવાળા માં પ્રથમ છું.
૧૬૪) તમે કહી દો કે શું હું અલ્લાહ સિવાય કોઇ બીજાને પાલનહાર બનાવવા માટે શોધું ? જો કે તે દરેક વસ્તુનો માલિક છે અને જે વ્યક્તિ કોઇ પણ કાર્ય કરે છે તેની જવાબદારી તેના પર જ રહે છે અને કોઇ બીજાનો ભાર નહીં ઉઠાવે, પછી તમારે સૌએ પોતાના પાલનહાર પાસે પરત ફરવાનું છે, પછી તે તમને બતાવશે, જે જે વસ્તુનો તમે વિરોધ કરતા હતા.
૧૬૫) અને તે એવો છે જેણે તમને ધરતી પર નાયબ બનાવ્યા અને એક-બીજા પર શ્રેષ્ઠતા આપી, જેથી તમારી કસોટી કરે, તે વસ્તુના બદલામાં જે તમને આપવામાં આવી છે, ખરેખર તમારો પાલનહાર નજીક માંજ સજા આપનાર છે, અને ખરેખર તે ખૂબ જ માફ કરનાર અને દયાળુ છે.