الأول
(الأوَّل) كلمةٌ تدل على الترتيب، وهو اسمٌ من أسماء الله الحسنى،...
૧) અલિફ-લામ્-મિમ્-રૉ. આ કુરઆનની આયતો છે અને જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવે છે, બધું જ સાચું છે, પરંતુ ઘણા લોકો ઇમાન નથી લાવતા.
૨) અલ્લાહ તે છે, જેણે આકાશોને વગર સ્તંભે ઊચું કરી રાખ્યું છે, કે તમે તેને જોઇ રહ્યા છો, પછી તે અર્શ પર બિરાજમાન છે, તેણે સૂર્ય અને ચંદ્રને નિયમિત કરી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચક્કર લગાવી રહ્યા છે, તે જ કાર્યની વ્યવસ્થા કરે છે, તે પોતાની નિશાનીઓનું વર્ણન સ્પષ્ટ રીતે કરી રહ્યો છે કે તમે પોતાના પાલનહારની મુલાકાતને સાચી જાણો.
૩) તેણે જ ધરતીને ફેલાવીને પાથરી દીધી છે અને તેમાં પર્વત અને નહેરોનું સર્જન કરી દીધું છે અને તેમાં દરેક પ્રકારના ફળોની જોડ બનાવી, તે રાતને દિવસ વડે છૂપાવી દે છે, નિ:શંક ચિંતન-મનન કરનારાઓ માટે આમાં ઘણી જ નિશાનીઓ છે.
૪) અને ધરતીમાં વિવિધ પ્રકારના ભાગ એકબીજા સાથે જોડાયેલ છે અને દ્રાક્ષના બગીચાઓ છે અને ખેતરો છે અને ખજૂરીના વૃક્ષો છે, ડાળીઓ વાળા અને કેટલાક એવા છે જે ડાળીઓ વગરના છે, સૌને એક જ પ્રકારનું પાણી આપવામાં આવે છે, તો પણ અમે એકને બીજાના ફળો પર પ્રભુત્વ આપીએ છીએ, આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
૫) જો તમને આશ્વર્ય થતું હોય કે ખરેખર તેમનું આવું કહેવું આશ્વર્યજનક છે કે શું અમે માટી થઇ જઇશું, તો અમે નવા સર્જનમાં હોઇશું ? આ જ તે લોકો છે, જેમણે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, આ જ તે લોકો છે, જેમના ગળાઓમાં તોક (બેડીઓ) હશે અને આ જ લોકો જહન્નમમાં રહેનારા છે જેમાં તેઓ હંમેશા રહેશે.
૬) આ લોકો ભલાઇથી પહેલા બુરાઇ માટે ઉતાવળ કરી રહ્યા છે, ખરેખર તેમનાથી પહેલાના લોકો પર પ્રકોપ આવી પહોંચ્યો છે, અને ખરેખર તમારો પાલનહાર માફ કરનાર છે, લોકોના ખોટા અત્યાચાર કરવા પછી પણ. અને આ પણ ચોક્કસ વાત છે કે તમારો પાલનહાર ઘણી જ સખત સજા આપનાર પણ છે.
૭) અને ઇન્કાર કરનારા કહે છે કે, તેના પર તેના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ ન ઉતારવામાં આવી, વાત એવી છે કે તમે તો ફક્ત સચેત કરનારા છો અને દરેક કોમ માટે સત્ય માર્ગદર્શન આપનાર છે.
૮) માદા પોતાના પેટમાં જે કંઈ પણ રાખે છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે અને પેટનો ઘટાડો-વધારો પણ, દરેક વસ્તુ તેની પાસે પ્રમાણસર છે.
૯) જાહેર અને છૂપી વાતોને તે જાણે છે, (બધા કરતા) મોટો અને (બધા કરતા) ઉચ અને પ્રતિષ્ઠિત છે.
૧૦) તમારા માંથી કોઈનું પોતાની વાત છુપાવીને કહેવું અને ઊંચા અવાજે કહેવું અને જે રાત્રે છુપું હોય અને જે દિવસમાં ચાલી રહ્યું હોય, બધું જ અલ્લાહ માટે સરખું છે.
૧૧) તેના નિરિક્ષકો માનવીની આગળ-પાછળ નિયુકત છે, જે અલ્લાહના આદેશથી તેનું નિરિક્ષણ કરે છે, કોઈ કોમની સ્થિતિ અલ્લાહ તઆલા નથી બદલતો, જ્યાં સુધી કે તે પોતે તેને ન બદલે, જે તેમના હૃદયોમાં છે, અલ્લાહ તઆલા જ્યારે કોઈ કોમને યાતના આપવાનો નિશ્વય કરી લે છે, તો તે બદલતો નથી અને તેના સિવાય તેમની મદદ કરનાર કોઈ નથી.
૧૨) તે અલ્લાહ જ છે, જે તેમને વીજળીનો પ્રકાશ ડરાવવા માટે અને આશા માટે બતાવે છે અને ભારે વાદળોનું સર્જન કરે છે.
૧૩) (વાદળની) ગર્જના, તેના નામનું સ્મરણ અને તેની પ્રશંસા કરે છે અને ફરિશ્તાઓ પણ તેના ભયથી, તે જ આકાશ માંથી વીજળી પાડે છે, અને જેના પર ઇચ્છે છે તેના પર નાંખે છે, ઇન્કાર કરનારાઓ અલ્લાહ વિશે વિવાદ કરી રહ્યા છે અને અલ્લાહ ખૂબ જ તાકાતવાળો છે.
૧૪) તેને જ પોકારવું સત્ય છે, જે લોકો તેને છોડીને બીજાને પોકારે છે તે તેમનો કોઈ જવાબ નથી આપતા, પરંતુ તે વ્યક્તિ, જેવું કે પોતાના બન્ને હાથ પાણી તરફ ફેલાયેલા રાખે કે જેથી પાણી તેના મોઢામાં આવી જાય, જો કે તે પાણી તેમના મોઢામાં આવવાનું નથી, તે ઇન્કાર કરનારાઓની જેટલી પોકાર છે, બધી જ પથભ્રષ્ટ છે.
૧૫) અલ્લાહ માટે જ ધરતી અને આકાશનું દરેક સર્જન ખુશી તેમજ નારાજગી સાથે સિજદો કરે છે અને તેમના પડછાયા પણ, સવાર સાંજ.
૧૬) તમે પૂછો કે, આકાશો અને ધરતીનો પાલનહાર કોણ છે ? કહી દો કે “અલ્લાહ”. કહી દો કે, શું તો પણ તેને છોડીને બીજા પાસે મદદ માંગો છો.
જે પોતે પોતાના પ્રાણના પણ સાચા અને ખોટાનો અધિકાર નથી ધરાવતા, કહી દો કે, શું આંધળો અને જોઇ શકનાર બન્ને સરખા હોઇ શકે છે ? અથવા શું અંધકાર અને પ્રકાશ સરખા હોઇ શકે છે ? શું આ લોકો, જેમને અલ્લાહના ભાગીદાર ઠેરવી રહ્યા છે, તેમણે પણ અલ્લાહ જેવું જ સર્જન કર્યું છે ? કે તેમના માટે સર્જનની બાબત શંકાસ્પદ થઇ ગઇ છે ? કહી દો કે ફકત અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જનહાર છે, તે એકલો છે અને જબરદસ્ત પ્રભાવશાળી છે.
૧૭) તેણે જ આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી પોતપોતાના વિસ્તાર પ્રમાણે નહેરો વહી ગઇ, પછી પાણીના વહેણના કારણે ઉપરના ભાગે ફીણ ઉત્પન્ન થવા લાગ્યું, જેવી રીતે ઘરેણા તથા વાસણો સાફ કરતી વખતે ફીણ ઉભરાઇ આવે છે, આવી જ રીતે અલ્લાહ તઆલા સત્ય અને અસત્યનું ઉદાહરણ આપે છે, હવે ફીણ વ્યર્થ થઇ ખતમ થઇ જાય છે, પરંતુ જે લોકોને ફાયદો આપનારી વસ્તુ છે તે ધરતીમાં રહી જાય છે, અલ્લાહ તઆલા આવી જ રીતે ઉદાહરણોનું વર્ણન કરે છે.
૧૮) જે લોકોએ પોતાના પાલનહારના આદેશોનું અનુસરણ કર્યું તેમના માટે ભલાઇ છે અને જે લોકોએ તેના આદેશોનું અનુસરણ ન કર્યું, તેમના માટે ધરતીમાં જે કંઈ પણ છે અને તેના જેટલું જ બીજું પણ હોય તો તે બધું જ (મુક્તિદંડ માટે) આપી દે, આવા જ લોકો હશે જેમના માટે ખરાબ હિસાબ છે અને જેમનું ઠેકાણું જહન્નમ છે જે અત્યંત ખરાબ જગ્યા છે.
૧૯) શું તે એક વ્યક્તિ, જે આ જાણતો હોય કે તમારી તરફ તમારા પાલનહાર તરફથી જે પણ અવતરિત કરવામાં આવ્યું છે તે સત્ય છે, તે વ્યક્તિ જેવો હોઇ શકે છે જે આંધળો હોય, શિખામણ તો તે જ લોકો પ્રાપ્ત કરે છે જે બુદ્ધિશાળી છે.
૨૦) જે અલ્લાહના વચનને પૂરું કરે છે અને વાત-વચનનું ભંગ નથી કરતા.
૨૧) અને અલ્લાહએ જે (સંબંધોને) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે, તે તેને જાળવી રાખે છે અને તે પોતાના પાલનહારથી ડરે છે અને હિસાબની કઠણાઇનો ભય રાખે છે.
૨૨) અને તે પોતાના પાલનહારની પ્રસન્નતા માટે ધીરજ રાખે છે અને નમાઝ કાયમ કરે છે અને જે કંઈ પણ અમે તેમને આપી રાખ્યું છે તેને છૂપું અને જાહેરમાં દાન કરે છે અને બુરાઇને ભલાઇથી દૂર કરે છે, તેમના માટે જ પરલોકનું ઘર છે.
૨૩) હંમેશા રહેવા માટે બગીચાઓ, જ્યાં તે પોતે જશે અને પોતાના પૂર્વજો અને પત્નીઓ અને સંતાનો માંથી જે સદાચારી હશે અને તેમની સાથે ફરિશ્તા દરેક દ્વારથી પ્રવેશ કરશે.
૨૪) કહેશે કે, તમારા પર સલામતી થાય, ધીરજના બદલામાં, કેટલો સારો (બદલો) છે, તે આખેરતના ઘરનો.
૨૫) અને જે અલ્લાહના મજબૂત વચનનો ભંગ કરે છે અને જે (સંબંધો)ને જાળવી રાખવાનો આદેશ આપ્યો છે તેને જાળવી રાખતા નથી અને ધરતીમાં વિદ્રોહ ફેલાવે છે, તેમના માટે લઅનતો (ફિટકાર) છે અને તેમના માટે ખરાબ ઠેકાણું છે.
૨૬) અલ્લાહ તઆલા જેને રોજી આપવાનું ઇચ્છે છે, વધારે છે અને જેની ઇચ્છે ઘટાડે છે, આ તો દુનિયાના જીવનમાં મગ્ન થઇ ગયા, જો કે દુનિયા પરલોકની સરખામણીમાં અત્યંત (તુચ્છ) સામાન છે.
૨૭) ઇન્કાર કરનારા કહે છે કે, તેના પર કોઈ નિશાની કેમ ન ઉતરી ? જવાબ આપી દો કે અલ્લાહ જેને પથભ્રષ્ટ કરવા ઇચ્છે કરી દે છે, અને જે તેની તરફ ઝૂકે તેને સત્યમાર્ગ બતાવી દે છે.
૨૮) જે લોકો ઇમાન લાવ્યા તેમના હૃદય અલ્લાહના નામના સ્મરણથી શાંતિ પ્રાપ્ત કરે છે, યાદ રાખો ! અલ્લાહના નામના સ્મરણથી જ દિલને શાંતિ મળે છે.
૨૯) જે લોકો ઇમાન લાવ્યા અને જે લોકોએ સારા કાર્યો પણ કર્યા તેમના માટે પ્રસન્નતા છે અને ઉત્તમ ઠેકાણું.
૩૦) આવી જ રીતે અમે તમને એ જૂથમાં મોકલ્યા છે, જેમના પહેલા ઘણા જૂથો થઇ ચૂક્યા છે, કે તમે તેઓને અમારા તરફથી જે વહી તમારા પર અવતરિત થઇ છે, તે પઢી સંભળાવો. આ લોકો દયાળુ અલ્લાહના ઇન્કાર કરનારા છે, તમે કહી દો કે, મારો પાલનહાર તો તે જ છે તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તેના પર જ મારો ભરોસો છે અને તેની જ તરફ મારો ઝૂકાવ છે.
૩૧) જો કોઈ કુરઆન (આકાશી વાણી) દ્વારા પર્વતો ચલાવવામાં આવતા અથવા ધરતીના ટુકડે ટુકડા કરી દેવામાં આવતી અથવા મૃતકો સાથે વાર્તાલાપ કરાવી દેવામાં આવતો (તો પણ તેઓ ઇમાન ન લાવતા).
વાત એ છે કે દરેક કાર્ય અલ્લાહના જ હાથમાં છે, તો શું ઇમાનવાળાઓને આ વાત પર વિશ્વાસ નથી કે જો અલ્લાહ તઆલા ઇચ્છે તો દરેક લોકોને સત્ય માર્ગદર્શન આપી દે, ઇન્કાર કરનારાઓને તો તેમના ઇન્કારના બદલામાં હંમેશા કોઈને કોઈ સખત સજા પહોંચતી રહેશે અથવા તેમના મકાનોની નજીક આવતી રહેશે, ત્યાં સુધી કે નક્કી કરેલ સમય આવી જાય, ખરેખર અલ્લાહ તઆલા વચનભંગ નથી કરતો.
૩૨) નિ:શંક તમારા પહેલાના પયગંબરોની મજાક કરવામાં આવી હતી અને મેં પણ ઇન્કાર કરનારાઓને મહેતલ આપી હતી, પછી તેમને પકડી લીધા હતા, બસ ! મારો પ્રકોપ કેવો રહ્યો ?
૩૩) શું તે અલ્લાહ, જે દરેક વ્યક્તિની દેખરેખ રાખનાર છે, તેણે કરેલા કાર્યો મુજબ જેને લોકો અલ્લાહના ભાગીદાર ઠેરવે છે (બરાબર હોઈ શકે છે), કહી દો કે થોડાંક તેમના નામ તો લો, શું તમે અલ્લાહને તે વાતો કહો છો જે ધરતીમાં જાણતો જ નથી અથવા ફકત ઉપર છલ્લીની વાતો કરો છો, વાત ખરેખર એવી છે કે, ઇન્કાર કરનારાઓ માટે તેમની યુક્તિઓ શણગારી દેવામાં આવી છે, અને તેમને સત્ય માર્ગથી રોકી દેવામાં આવ્યા છે અને જેને અલ્લાહ પથભ્રષ્ટ કરી દે, તેને માર્ગદર્શન આપનાર કોઈ નથી.
૩૪) તેમના માટે દુનિયાના જીવનમાં પણ સજા છે અને આખેરતની સજા તો ઘણી જ સખત છે, તેમને અલ્લાહના ગુસ્સાથી બચાવનાર કોઈ નથી.
૩૫) તે જન્નતના ગુણ, જેનું વચન ડરવાવાળાઓને કરવામાં આવ્યું છે, એ છે કે તેની નીચેથી નહેરો વહી રહી છે, તેનું ફળ હંમેશા રહેનાર છે અને તેનો છાંયડો પણ, આ છે ડરવાવાળોનું પરિણામ અને ઇન્કાર કરનારાઓનું ઠેકાણું જહન્નમ છે.
૩૬) જેમને અમે કિતાબ આપી છે, તેઓ તો જે કંઈ તમારા પર અવતરિત કરવામાં આવે છે તેનાથી રાજી થાય છે અને બીજા જૂથ તેની થોડીક વાતોનો ઇન્કાર કરે છે, તમે જાહેર કરી દો કે મને તો ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો છે કે, હું અલ્લાહની બંદગી કરું અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવું. હું તેની જ તરફ બોલાવી રહ્યો છું અને તેની જ તરફ મારે પાછા ફરવાનું છે.
૩૭) આવી જ રીતે અમે આ કુરઆનને અરબી ભાષામાં અવતરિત કર્યું છે, જો તમે તેમની મનેચ્છાઓનું અનુસરણ કરી લીધું, ત્યાર પછી કે તમારી પાસે જ્ઞાન આવી પહોંચ્યું છે, તો અલ્લાહ વિરૂદ્ધ તમારી મદદ કરનાર કોઈ નહીં મળે અને ન બચાવનાર.
૩૮) અમે તમારા પહેલા પણ ઘણા જ પયગંબરોને અવતરિત કરી ચૂક્યા છે અને અમે તે સૌને પત્ની તથા બાળકોવાળા બનાવ્યા હતા, કોઈ પયગંબર અલ્લાહની પરવાનગી વગર કોઈ નિશાની નથી લાવી શકતો, દરેક નક્કી કરેલ વચન લખેલ છે.
૩૯) અલ્લાહ જે ઇચ્છે તે નષ્ટ કરી દે અને જે ઇચ્છે તેને બાકી રાખે, “લોહે મહફૂઝ” તેની જ પાસે છે.
૪૦) તેમની સાથે કરેલ વચન માંથી કોઈ વચન જો તમને જણાવી દઇએ અથવા તમને અમે મૃત્યુ આપી દઇએ, તો તમારું કામ તો ફક્ત પહોંચાડી દેવાનું જ છે, હિસાબ લેવો તો અમારી જ જવાબદારી છે.
૪૧) શું તે લોકો નથી જોતા કે અમે ધરતીને તેના કિનારા પરથી ઘટાડીએ છીએ, અલ્લાહ આદેશ કરે છે, કોઈ તેના આદેશને પાછું ઠેલનાર નથી. તે નજીકમાં જ હિસાબ લેનાર છે.
૪૨) તેમના પહેલાના લોકોએ પણ પોતાની ચાલાકીમાં કોઈ કસર ન છોડી હતી, પરંતુ દરેક યુક્તિઓ અલ્લાહની જ છે, જે વ્યક્તિ જે કંઈ પણ કરી રહ્યો છે અલ્લાહ તેને જાણે છે, ઇન્કાર કરનારાઓને હમણા જ ખબર પડી જશે કે (તે) આખેરતની યાતના કોના માટે છે.
૪૩) આ ઇન્કાર કરનાર કહે છે તમે અલ્લાહના પયગંબર નથી, તમે જવાબ આપી દો કે મારી અને તમારી વચ્ચે સાક્ષી આપવા માટે અલ્લાહ પૂરતો છે અને તે, જેની પાસે કિતાબનું જ્ઞાન છે.