الشكور
كلمة (شكور) في اللغة صيغة مبالغة من الشُّكر، وهو الثناء، ويأتي...
૧) અલ્લાહ અને તેના પયગંબર તરફથી કંટાળાની ઘોષણા છે તે મુશરિકો વિશે જેમની સાથે તમે વચન કર્યું હતું.
૨) બસ (હે મુશરિકો !) તમે શહેરમાં ચાર મહિના સુધી હરી-ફરી લો, જાણી લો કે તમે અલ્લાહને લાચાર નથી કરી શકતા, અને એ (પણ યાદ રાખો) કે અલ્લાહ ઇન્કાર કરનારાઓને અપમાનિત કરવાવાળો છે.
૩) અલ્લાહ અને તેના પયગંબર તરફથી લોકોને પવિત્ર હજ્જના દિવસે સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવે છે કે અલ્લાહ મુશરિકોથી કંટાળે છે અને તેના પયગંબર પણ, જો હજુ પણ તમે તૌબા કરી લો તો તમારા માટે ઉત્તમ છે અને જો તમે અવગણના કરો તો જાણી લો કે તમે અલ્લાહને હરાવી નથી શકતા અને ઇન્કાર કરનારાઓઓને દુ:ખદાયી યાતનાની સૂચના પહોંચાડી દો.
૪) સિવાય તે મુશરિકોને જેમની સાથે તમારું સમાધાન થઇ ગયું છે અને તેઓએ તમને થોડુંક પણ નુકસાન નથી પહોંચાડ્યું, ન કોઇની તમારા વિરુદ્ધ મદદ કરી છે, તો તમે પણ તેમના સમાધાનના સમયગાળાને પૂરો કરો, અલ્લાહ તઆલા ડરવાવાળાઓનો મિત્ર છે.
૫) પછી પવિત્ર મહિના પસાર થતા જ મુશરિકોને જ્યાં પણ જુઓ, કતલ કરી દો, તેઓને કેદી બનાવી લો, તેમને ઘેરી લો અને તેમને શોધવાની તકમાં દરેક ઘાટીઓમાં જાઓ, હાં જો તેઓ તૌબા કરી લે અને નમાઝ પઢવા લાગે અને ઝકાત આપવા લાગે, તો તમે તેમના માર્ગ છોડી દો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે.
૬) જો મુશરિકો માંથી કોઇ તમારી પાસે શરણ માંગે તો, તમે તેઓને શરણ આપી દો, ત્યાં સુધી કે તેઓ અલ્લાહની વાણી સાંભળી લે, પછી તેને પોતાની શાંતિની જગ્યાએ પહોંચાડી દો, આ એટલા માટે કે તે લોકો અજ્ઞાન છે.
૭) મુશરિકો માટે વચન અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે કેવી રીતે રહી શકે છે તે લોકો સિવાય જેમની સાથે તમે સમાધાન અને વચન મસ્જિદે હરામ પાસે કર્યું છે, જ્યાં સુધી તે લોકો તમારી સાથે સમાધાનનું વચન પૂરું કરે તો તમે પણ તેમની સાથે પ્રામાણિકતા દાખવો, અલ્લાહ તઆલા ડરવાવાળાઓને પસંદ કરે છે.
૮) તેમના વચનોનો શું ભરોસો, જો તે લોકો તમારા પર વિજય પ્રાપ્ત કરે તો, ન તેઓ સંબંધો જોશે, ન વચન, પોતાની જબાનો વડે તો તમને પસંદ કરે છે પરંતુ તેઓના હૃદયો નથી માનતા, તેઓ માંથી વધારે પડતા લોકો વિદ્રોહી છે.
૯) તેઓએ અલ્લાહની આયતોને નજીવા દરે વેચી નાખી અને તેના માર્ગથી રોકતા રહ્યા, ઘણું જ ખરાબ કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે.
૧૦) આ લોકો તો કોઇ મુસલમાનો વિશે કોઇ સંબંધનું અથવા તો વચનનું સામાન્ય રીતે પણ ધ્યાન નથી રાખતા, આ લોકો હદ વટાવી જનારા જ છે.
૧૧) હજુ પણ આ લોકો તૌબા કરી લે અને નમાઝ પઢવા લાગે અને ઝકાત આપતા રહે તો તમારા દીની ભાઇ છે, અમે તો જાણવાવાળા માટે અમારી આયતો સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યા છે.
૧૨) જો આ લોકો વચન અને સમાધાન કર્યા પછી પણ પોતાની સોગંદોને તોડી દે અને તમારા દીન વિશે ટોણાં મારે તો તમે પણ તે ઇન્કાર કરનારાઓના સરદારો સાથે લડાઇ કરો, તેમની સોગંદો કંઈ પણ નથી, શક્ય છે કે આવી રીતે તેઓ પણ સુધારો કરી લે.
૧૩) તમે તે લોકો સાથે લડાઇ કરવા માટે કેમ તૈયાર નથી રહેતા, જે લોકોએ પોતાની સોગંદોને તોડી નાખી અને પયગંબરને દેશનિકાલ કરવા માટેની ચિંતા કરે છે અને પ્રથમ તે લોકોએ જ શરૂઆત કરી છે. શું તમે તેમનાથી ડરો છો ? અલ્લાહ જ વધારે હક ધરાવે છે કે તમે તેનો ડર રાખો, એટલા માટે કે તમે ઈમાનવાળા છો.
૧૪) તેમની સાથે તમે યુદ્ધ કરો, અલ્લાહ તઆલા તે લોકોને તમારા હાથ વડે જ સજા આપશે, તેઓને અપમાનિત કરશે, તમારી તેઓની વિરુદ્ધ મદદ કરશે અને મુસલમાનોના કાળજાને ઠંડક પહોંચાડશે.
૧૫) અને તેઓના હૃદયોની નિરાશા અને ગુસ્સો દૂર કરશે, અને તે જેની તરફ ઇચ્છે છે કૃપા સાથે ધ્યાન ધરે છે, અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
૧૬) શું તમે એવું સમજી લીધું છે કે તમે છોડી દેવામાં આવશો, જો કે અત્યાર સુધી અલ્લાહએ તમારા માંથી તેઓને પ્રાથમિકતા નથી આપી, જેઓ અલ્લાહના માર્ગમાં જેહાદ કરનારા છે, અને જેમણે અલ્લાહ અને તેના પયગંબરને અને ઈમાનવાળાઓ સિવાય કોઇને પણ સાચા મિત્રો નથી બનાવ્યા, અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે જે કંઈ પણ તમે કરી રહ્યા છો.
૧૭) મુશરિકો અલ્લાહ તઆલાની મસ્જિદોને આબાદ કરવાને લાયક નથી, જો કે તેઓ પોતે પોતાના ઇન્કારના સાક્ષી છે, તેઓના કાર્યો વ્યર્થ છે અને તેઓ જ કાયમી જહન્નમી છે.
૧૮) અલ્લાહની મસ્જિદોની રોશની અને આબાદી તો તેમના માટે છે જેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખતા હોય, નમાઝો પઢતા હોય, ઝકાત આપતા હોય, અલ્લાહ સિવાય કોઇનાથી ન ડરતા હોય, આશા છે કે આ જ લોકો ખરેખર સત્યમાર્ગ પર છે.
૧૯) શું તમારું હાજીઓને પાણી પીવડાવવું દેવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તેના જેવું સમજી રાખ્યું છે કે જે અલ્લાહ અને આખેરતના દિવસ પર ઈમાન લાવ્યા અને અલ્લાહના માર્ગમાં જેહાદ કર્યું, આ અલ્લાહની નજીક સરખા નથી, અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન નથી આપતો.
૨૦) જે લોકો ઈમાન લાવ્યા, હિજરત કરી, અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જેહાદ કર્યું, તે અલ્લાહની પાસે ઘણા જ ઊંચા દરજ્જાવાળાઓ છે અને આ જ લોકો સફળતા મેળવનારા છે.
૨૧) તેમને તેમનો પાલનહાર ખુશખબર આપે છે, પોતાની કૃપાની અને (અલ્લાહના) રાજી થવાની અને જન્નતોની, તેમના માટે ત્યાં હંમેશા રહેનારી નેઅમતો છે.
૨૨) ત્યાં તેઓ હંમેશા રહેનારા છે, અલ્લાહની પાસે ખરેખર ઘણો જ પુષ્કળ બદલો છે.
૨૩) હે ઈમાનવાળાઓ ! પોતાના પિતા અને ભાઇઓને મિત્ર ન બનાવો, જો તેઓ ઇન્કારને ઈમાન કરતાં વધારે સમજે, તમારા માંથી જે લોકો પણ તેમની સાથે મિત્રતા રાખશે તે સંપૂર્ણ પાપ કરનાર, અત્યાચારી છે.
૨૪) તમે કહી દો કે જો તમારા પિતા અને તમારા બાળકો અને તમારા ભાઇ અને તમારી પત્નીઓ, અને તમારા કુટુંબીઓ, અને તમારી કમાણી, અને તે વેપાર જેના નુકસાનથી તમે ડરો છો, અને તે હવેલીઓ જેમને તમે પસંદ કરો છો, જો આ બધું જ તમને અલ્લાહ અને તેના પયગંબરથી અને તેના માર્ગમાં જેહાદ કરવાથી વધારે પસંદ હોય તો તમે રાહ જુઓ કે અલ્લાહ તઆલા પોતાનો પ્રકોપ તમારા પર લઇ આવશે, અલ્લાહ તઆલા વિદ્રોહીઓને માર્ગદર્શન નથી આપતો.
૨૫) નિ:શંક અલ્લાહ તઆલાએ ઘણા યુદ્ધમાં તમને વિજય આપ્યો છે અને "હુનૈન"ની લડાઇ વખતે પણ, જ્યારે કે તમને પોતાના મોટા લશ્કર પર ઘમંડ હતું, પરંતુ તેણે તમને કંઈ પણ ફાયદો ન પહોંચાડયો, વિશાળ ધરતી હોવા છતાં તે તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ બતાવી પાછા ફર્યા.
૨૬) પછી અલ્લાહએ પોતાના તરફથી શાંતિ પોતાના પયગંબર પર અને ઈમાનવાળાઓ પર ઉતારી અને પોતાના તે લશ્કરો મોકલ્યા જેને તમે જોઇ નથી રહ્યા અને ઇન્કાર કરનારાઓને સખત સજા આપી, તે ઇન્કાર કરનારાઓનો આ જ બદલો હતો.
૨૭) ત્યાર પછી પણ જેને ઇચ્છે તેના પર પોતાની કૃપા કરશે, અલ્લાહ જ માફ કરનાર અને દયાળુ છે.
૨૮) હે ઈમાનવાળાઓ ! ખરેખર મુશરિક તદ્દન નાપાક છે, તેઓ આ વર્ષ પછી મસ્જિદે હરામની આસ-પાસ પણ ન ભટકે, જો તમને લાચારીનો ભય છે તો અલ્લાહ તઆલા તમને પોતાની કૃપાથી ધનવાન બનાવી દેશે, જો અલ્લાહ ઇચ્છે અલ્લાહ જ્ઞાની અને હિકમતવાળો છે.
૨૯) તે લોકો સાથે યુદ્ધ કરો જેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન નથી લાવતા, જે અલ્લાહ અને તેના પયગંબરે હરામ (અવૈધ) કરેલી વસ્તુઓને હરામ નથી માનતા, ન સત્ય દીનને કબૂલ કરે છે, તે લોકો માંથી જેઓને કિતાબ આપવામાં આવી છે, ત્યાં સુધી કે તેઓ અપમાનિત થઇ, પોતાની પાસેથી દંડ આપે.
૩૦) યહૂદી લોકો કહે છે કે ઉઝૈર અલ્લાહનો દીકરો છે, અને ઈસાઈ લોકો કહે છે કે મસીહ અલ્લાહનો દીકરો છે, આ વાતો ફકત તેઓના મોઢાઓની છે, પૂર્વજોની વાતોને આ લોકો પણ નકલ કરવા લાગ્યા, અલ્લાહ તેઓને નષ્ટ કરે, તે કેવા ઉથલ પાથલ કરવામાં આવે છે.
૩૧) તે લોકોએ અલ્લાહને છોડીને પોતાના જ્ઞાનીઓ અને સાધુઓને પાલનહાર ઠેરવ્યા છે અને મરયમના દીકરા મસીહને પણ, જો કે તેમને ફક્ત એક અલ્લાહની જ બંદગીનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે પવિત્ર છે તેઓના ભાગીદાર ઠેરાવવાથી.
૩૨) તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશને પોતાની ફૂંક વડે હોલવી નાંખે અને અલ્લાહ તઆલા આ વાતોનો ઇન્કાર કરે છે, પરંતુ અલ્લાહ પોતાના પ્રકાશને પૂરો કરીને જ રહેશે ભલેને આ ઇન્કાર કરનારાઓ પસંદ ન કરે.
૩૩) તેણે જ પોતાના પયગંબરને સત્ય માર્ગદર્શન અને સાચો ધર્મ આપી મોકલ્યા, કે તેને બીજા દરેક ધર્મો પર પ્રભાવિત કરી દે, ભલેને મુશરિક ખોટું સમજે.
૩૪) હે ઈમાનવાળાઓ ! વધારે પડતા જ્ઞાનીઓ અને ઇબાદત કરનારા, લોકોનું ધન હડપ કરી લે છે અને અલ્લાહના માર્ગથી રોકે છે, અને જે લોકો સોના અને ચાંદીનો ખજાનો રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા, તેઓને દુ:ખદાયી યાતનાની ખબર આપી દો.
૩૫) જે દિવસે તે ખજાનાને જહન્નમની આગમાં તપાવવામાં આવશે, પછી તેઓના કપાળોને, ખભાના ભાગને અને પીઠોને દઝાડવામાં આવશે, (તેઓને કહેવામાં આવશે) આ છે જેને તમે પોતાના માટે ખજાનો બનાવી રાખ્યો હતો, બસ ! પોતાના ખજાનાનો સ્વાદ ચાખો.
૩૬) મહિનાઓની ગણતરી અલ્લાહની પાસે અલ્લાહની કિતાબમાં બાર છે, તે દિવસથી જ જ્યારથી આકાશ અને ધરતીનું સર્જન તેણે કર્યું, તેમાંથી ચાર પવિત્ર મહિના છે, આ જ સત્ય ધર્મ છે, તમે તે મહિનાઓમાં પોતાના જીવો પર અત્યાચાર ન કરો અને તમે દરેક મુશરિકો સાથે જેહાદ કરો, જેવી રીતે કે તેઓ તમારી સાથે લડે છે અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે.
૩૭) મહિનાઓને આગળ પાછળ કરી દેવું ઇન્કારનો અતિરેક છે, આના વડે તે લોકો પથભ્રષ્ટ કરવામાં આવે છે, જેઓ ઇન્કાર કરે છે, એક વર્ષ તો તેને હલાલ કરી દે છે, અને બીજા વર્ષે તેને જ પવિત્ર ઠેરવે છે કે અલ્લાહએ જે પવિત્રતા રાખી છે તેની ગણતરીમાં તમે બરાબરી કરી લો, પછી તેને હલાલ બનાવી લો જેને અલ્લાહએ હરામ કર્યો છે, તેઓને તેઓના ખરાબ કૃત્યો સારા બતાવી દેવામાં આવ્યા છે અને ઇન્કાર કરનારાઓની કોમને અલ્લાહ માર્ગદર્શન નથી આપતો.
૩૮) હે ઈમાનવાળાઓ ! તમને શું થઇ ગયું છે કે જ્યારે તમને કહેવામાં આવે છે કે ચાલો અલ્લાહના માર્ગમાં નીકળો, તો તમે ધરતીને વળગી રહો છો, શું તમે આખેરતના બદલામાં દુનિયાના જીવનને પ્રાથમિકતા આપો છો, સાંભળો ! દુનિયાનું જીવન તો આખેરતની તુલમાં બસ થોડું જ છે.
૩૯) જો તમે ન નીકળ્યા તો, તમને અલ્લાહ તઆલા સખત સજા આપશે અને તમારી જગ્યાએ બીજાને લાવશે, તમે અલ્લાહ તઆલાને કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૪૦) જો તમે તે (મુહમ્મદ સ.અ.વ.
)ની મદદ નહીં કરો તો, અલ્લાહએ જ તેમની મદદ કરી, તે સમયે જ્યારે તેમને ઇન્કાર કરનારાઓએ કાઢી મૂક્યા હતા, બે માંથી બીજો, જ્યારે કે તે બન્ને ગુફામાં હતા, ત્યારે તે પોતાના મિત્રને કહી રહ્યા હતા કે નિરાશ ન થાઓ, અલ્લાહ આપણી સાથે છે, બસ ! અલ્લાહ તઆલાએ પોતાના તરફથી તે લોકોને શાંતિ આપી, તે લશ્કરો દ્વારા તેમની મદદ કરી જેને તમે જોયા જ નથી, તેણે ઇન્કાર કરનારાઓની વાત હલકી કરી દીધી અને ઊંચી અને મૂલ્યવાન તો અલ્લાહની વાત જ છે, અલ્લાહ વિજયી, હિકમતવાળો છે.
૪૧) નીકળી જાઓ, નિર્બળ હોય તો પણ અને શક્તિશાળી હોય તો પણ, અને અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જેહાદ કરો, આ જ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ.
૪૨) જો ઝડપથી આવનારું ધન અને કારણ હોત અને સરળ મુસાફરી હોત તો, આ લોકો જરૂર તમારી પાછળ આવતા, પરંતુ તે લોકો પર દૂરની મુસાફરી મુશ્કેલ થઇ ગઇ, હવે તો આ લોકો અલ્લાહના નામની સોગંદો ખાશે કે જો અમારામાં શક્તિ અને હિંમત હોત તો, અમે ખરેખર તમારી સાથે આવતા, આ લોકો પોતે જ પોતાને નષ્ટ કરી રહ્યા છે, તેઓના જૂઠ્ઠાણાંનું સાચું જ્ઞાન અલ્લાહ પાસે જ છે.
૪૩) અલ્લાહ તમને માફ કરી દે, તમે તેઓને કેમ પરવાનગી આપી ? તમારી સામે સાચા લોકોની ઓળખ થયા વગર અને તમે જૂઠ્ઠા લોકોને પણ ઓળખી લો ?
૪૪) અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન અને વિશ્વાસ રાખનાર લોકો તો ધન અને માલ વડે જેહાદથી રોકાઇ જવા માટે કયારેય તમારી પાસે પરવાનગી નહીં માંગે અને અલ્લાહ તઆલા ડરવાવાળાઓને ખૂબ સારી રીતે જાણે છે.
૪૫) આ પરવાનગી તો તમારી પાસેથી તે જ લોકો માંગે છે જેમને ન તો અલ્લાહ પર અને ન આખેરતના દિવસ પર ઈમાન છે, જેમના હૃદય શંકામાં પડ્યા છે અને તે પોતાની શંકામાં જ મગ્ન છે,
૪૬) જો તેઓની ઇચ્છા જેહાદ માટેની હોત તો, તેઓ આ સફર માટે સામાનની તૈયારી કરી રાખતા, પરંતુ અલ્લાહને તેમનું નીકળવું પસંદ જ ન હતું, એટલા માટે અલ્લાહએ તેઓને શરૂઆતથી જ રોકી રાખ્યા અને કહી દેવામાં આવ્યું કે તમે બેસી રહેનાર લોકો સાથે બેઠેલા જ રહો.
૪૭) જો આ લોકો તમારી સાથે ભેગા થઇને નીકળતા તો પણ, તમારા માટે ઉપદ્રવ કરવા સિવાય કંઈ પણ ન કરતા, ઉપરાંત તમારી વચ્ચે ઘોડાઓ દોડાવી દેત અને તમારા માં વિદ્રોહની શોધમાં રહેતા, તેઓના માનવાવાળાઓ પોતે તમારી વચ્ચે જ છે અને અલ્લાહ તઆલા તે અત્યાચારીઓને ખૂબ જાણે છે.
૪૮) આ લોકો તો પહેલા પણ ઉપદ્રવ કરવાની શોધમાં હતા અને તમારા માટે કાર્યોને ઉલટ સૂલટ કરતા રહે છે, અહીં સુધી કે સત્ય આવી પહોંચ્યું અને અલ્લાહનો આદેશ પ્રભાવિત થઇ ગયો, ભલેને તે લોકો નારાજ રહ્યા.
૪૯) તેઓ માંથી કોઇક તો કહે છે કે મને પરવાનગી આપો, મને વિદ્રોહમાં ન નાખો, સચેત રહો, તે તો તેમાં પડી ગયા છે અને નિ:શંક ઇન્કાર કરનારાઓને જહન્નમ ઘેરી લેશે.
૫૦) જો તમને કંઈ ભલાઇ મળે તો, તેમને ખરાબ લાગે છે અને કોઇ બૂરાઈ પહોંચે તો તેઓ કહે છે કે અમે તો પહેલાથી જ પોતાની બાબત યોગ્ય કરી લીધી હતી, પછી તે લોકો ઇતરાઇને પાછા ફરે છે.
૫૧) તમે કહી દો કે અલ્લાહએ અમારા માટે જે કંઈ નુકસાન પહોંચાડવાનું લખેલ છે તે પહોંચીને જ રહેશે, તે અમારો વ્યવસ્થાપક અને મિત્ર છે, ઈમાનવાળાઓએ તો ફકત અલ્લાહ પર જ ભરોસો કરવો જોઇએ.
૫૨) કહી દો કે તમે અમારા વિશે જે વસ્તુની રાહ જોઇ રહ્યા છો, તે બે ભલાઇઓ માંથી એક છે અને અમે તમારા માટે તેની રાહ જોઇ રહ્યા છે કે, અલ્લાહ તઆલા પોતાની પાસે જે સજા છે તેમાંથી તમને પહોંચાડે અથવા અમારા હાથો દ્ધારા, બસ ! એક બાજુ તમે રાહ જુઓ, બીજી તરફ તમારી સાથે અમે પણ રાહ જોઇ રહ્યા છીએ.
૫૩) કહી દો કે તમે રાજીખુશીથી અથવા નારાજગીથી, ગમે તે રીતે દાન કરો, કબૂલ તો કયારેય કરવામાં નહીં આવે, નિ:શંક તમે વિદ્રોહી છો.
૫૪) તેઓનુ દાન કબૂલ ન કરવાનું કારણ તેના સિવાય કાંઇ જ નથી કે આ અલ્લાહ અને તેના પયગંબરનો ઇન્કાર કરનારા છે અને ઘણી આળસથી નમાઝ માટે આવે છે અને સંકુચિત મનથી જ ખર્ચ કરે છે.
૫૫) બસ! તમને તેઓનું ધન અને સંતાન આશ્ચર્યચકિત ન કરી દે, અલ્લાહની ઇચ્છા એ જ છે કે તેનાથી તેઓને દુનિયાના જીવનમાં જ સજા આપે અને તેઓનું મૃત્યુ ઇન્કારની સ્થિતિ માં જ થાય.
૫૬) આ લોકો અલ્લાહના નામની સોગંદો ખાઇને કહે છે કે આ તમારા જૂથના લોકો છે, જો કે ખરેખર તેઓ તમારા માંથી નથી, વાત ફકત એ જ છે કે આ લોકો ડરપોક છે.
૫૭) જો આ લોકો બચાવ માટેની જગ્યા અથવા કોઇ ગુફા અથવા કોઇ પણ માથું છુપાવવાની જગ્યા પામી લે તો હમણાં જ તે તરફ ફરી જાય.
૫૮) તેઓમાં તે લોકો પણ છે જેઓ દાનના માલની વહેંચણી વિશે તમારા પર ખોટો આરોપ લગાવે છે, જો તેઓને તેમાંથી મળી જાય તો રાજી છે અને જો તેઓને તેમાંથી ન મળ્યું તો તરત જ ગુસ્સે થાય છે.
૫૯) જો આ લોકો અલ્લાહ અને તેના પયગંબરે આપેલી વસ્તુઓથી રાજી થઇ ગયા હોત અને કહી દેતા કે અલ્લાહ અમને પૂરતો છે, અલ્લાહ અમને તેની કૃપાથી આપશે અને તેનો પયગંબર પણ, અમે તો અલ્લાહની જાતથી જ આશા રાખનારા છે.
૬૦) દાન ફકત ફકીરો માટે, લાચારો માટે, ઝકાત ઉઘરાવનારાઓ માટે, તેઓ માટે જેમના હૃદયો ઇસ્લામ તરફ ઝુકેલા છે, તથા કેદીઓને છોડાવવા માટે, દેવાદારો માટે, તથા અલ્લાહના માર્ગમાં અને મુસાફરો માટે ફરજિયાત છે અલ્લાહ તરફથી અને અલ્લાહ જ્ઞાની તથા હિકમતવાળો છે.
૬૧) તે લોકો માંથી એવા લોકો પણ છે જેઓ પયગંબરને તકલીફ આપે છે અને કહે છે , ઓછું સાંભળે છે, તમે કહી દો કે તે ઓછું સાભળવા માં જ તમારા માટે ભલાઇ છે, તે અલ્લાહ પર ઈમાન ધરાવે છે અને મુસલમાનોની વાતો પર ભરોસો કરે છે અને તમારા માંથી જે લોકો ઈમાન ધરાવે છે આ તેમના માટે કૃપા છે, અલ્લાહના પયગંબરને જે લોકો તકલીફ આપે છે તેમના માટે દુ:ખદાયી યાતના છે.
૬૨) ફકત તમને ખુશ રાખવા માટે તમારી સામે અલ્લાહના નામની સોગંદો ખાય છે, જો કે આ લોકો ઈમાન રાખતા હોય તો, અલ્લાહ અને તેનો પયગંબર રાજી કરવા માટે વધારે હકદાર છે.
૬૩) શું આ લોકો નથી જાણતા કે જે લોકો અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરશે, તેના માટે ખરેખર જહન્નમની યાતના છે, જેમાં તેઓ હંમેશા રહેશે, આ જબરદસ્ત અપમાન છે.
૬૪) ઢોંગીઓને દરેક સમયે એ વાતનો ડર લાગે છે કે કદાચ મુસલમાનો પર કોઇ સૂરહ અવતરિત ન થાય, જે તેઓના હૃદયોની વાતો દર્શાવી દે, કહી દો કે તમે મજાક કરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા તેને જાહેર કરી દેશે જેનાથી તમે ડરી રહ્યા છો.
૬૫) જો તમે તેમને સવાલ કરશો તો સ્પષ્ટ કહી દેશે કે અમે તો એમજ અંદરોઅંદર હંસીમજાક કરી રહ્યા હતા, કહી દો કે શું અલ્લાહ, તેની આયતો અને તેનો પયગંબર જ તમારા ઠઠ્ઠા મશ્કરી માટે રહી ગયા છે ?
૬૬) તમે બહાનું ન બનાવો, ખરેખર તમે ઈમાન લાવ્યા પછી ઇન્કાર કરનારા થઇ ગયા, જો અમે તમારા માંથી થોડાંક લોકોને માફ પણ કરી દઇએ, તો કેટલાક લોકોને તેઓના અપરાધના કારણે સખત સજા પણ આપીશું.
૬૭) દરેક ઢોંગી પુરુષ અને સ્ત્રી એક સરખાં છે, આ લોકો ખરાબ વાતોનો આદેશ આપે છે અને સારી વાતોથી રોકે છે અને પોતાની મુઠ્ઠી બંધ રાખે છે, આ લોકો અલ્લાહને ભૂલી ગયા, અલ્લાહ તેમને ભૂલી ગયો, નિ:શંક ઢોંગીઓ વિદ્રોહી છે.
૬૮) અલ્લાહ તઆલા તે ઢોંગી પુરુષ અને સ્ત્રીઓ અને ઇન્કાર કરનારાઓને જહન્નમની આગનું વચન આપી ચૂક્યો છે, જ્યાં તેઓ હંમેશા રહેશે, તે જ તેમને પૂરતો છે, તેમના પર અલ્લાહની ફિટકાર છે અને તેમના માટે જ હંમેશા રહેનારી યાતના છે.
૬૯) તે લોકોની જેમ, જેઓ તમારાથી પહેલા હતા, તમારા કરતા તેઓ વધારે શક્તિમાન હતા અને વધુ સંતાનવાળા અને ધનવાન હતા, બસ ! તે લોકો દીનને ભૂલી ગયા, પછી તમે પણ ભૂલી ગયા, જેવી રીતે તમારા પહેલાના લોકોએ પોતાના ભાગ માંથી ફાયદો ઉઠાવ્યો અને તમે પણ એવી જ રીતે મજાકભર્યો વાર્તા લાપ કર્યો જેવો કે તેઓએ કર્યો હતો, તેમના કાર્યો દુનિયા અને આખેરતમાં વ્યર્થ થઇ ગયા, આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.
૭૦) શું તેમની પાસે પોતાની પહેલાના લોકોની ખબર નથી પહોંચી ? નૂહની કોમ, આદની કોમ, ષમૂદની કોમ, અને ઇબ્રાહીમની કોમ અને મદયનવાળાઓ, અને મુઅતફિકાત (તે કોમ જેમને યાતના રૂપે ઊંધા કરી દેવામાં આવ્યા) ની, તેમની પાસે તેમના પયગંબર પુરાવા લઇને પહોંચ્યા, અલ્લાહ એવો ન હતો કે તેમની પર અત્યાચાર કરે, પરંતુ તે લોકોએ પોતે જ પોતાના પર અત્યાચાર કર્યો.
૭૧) ઈમાનવાળા પુરુષ અને ઈમાનવાળી સ્ત્રીઓ એક-બીજાના મિત્રો છે, તે ભલાઇનો આદેશ આપે છે અને બૂરાઈથી રોકે છે, નમાઝોને કાયમ પઢે છે, ઝકાત આપે છે, અલ્લાહ અને તેના પયગંબરની વાતો માને છે, આ જ તે લોકો છે જેમના પર અલ્લાહ તઆલા નજીક માંજ દયા કરશે, નિ:શંક અલ્લાહ વિજયી તથા હિકમતવાળો છે.
૭૨) તે ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓને અલ્લાહએ તે જન્નતોનું વચન આપ્યું છે, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે અને તે પવિત્ર-સ્વચ્છ મહેલોનો, જે તે હંમેશા રહેનારી જન્નતોમાં છે અને અલ્લાહની ખુશી સૌથી મોટી વસ્તુ છે, આ જ ખરેખર ખૂબ જ મોટી સફળતા છે.
૭૩) હે પયગંબર ! ઇન્કાર કરનારા અને ઢોંગીઓ સાથે જેહાદ ચાલુ રાખો અને તેમના પર સખત બની જાવ, તેમનું સાચું ઠેકાણું જહન્નમ છે, જે અત્યંત ખરાબ ઠેકાણું છે.
૭૪) આ અલ્લાહના નામની સોગંદો ખાઇને કહે છે કે તેમણે નથી કર્યું, જો કે ખરેખર ઇન્કારની વાત તેમની જબાન વડે નીકળી ગઇ છે, આ લોકો ઈમાન લાવ્યા પછી ઇન્કાર કરનારા બની ગયા છે અને તેમણે આ કાર્યની ઇચ્છા પણ કરી જે તેઓ પૂર્ણ કરી ન શક્યા, આ લોકો ફકત તે જ વાતનો બદલો લઇ રહ્યા છે કે તેમને અલ્લાહએ પોતાની કૃપાથી અને તેના પયગંબરે ધનવાન કરી દીધા, જો આ લોકો હજુ પણ તૌબા કરી લે તો, આ તેમના માટે સારું છે અને જો ચહેરો ફેરવી રહ્યા છે તો, અલ્લાહ તઆલા તેમને દુનિયા અને આખેરતમાં દુ:ખદાયી યાતના આપશે અને ધરતીમાં તેમના માટે કોઇ તેમની મદદ કરનાર તથા સહાય કરનાર ઊભો નહીં થાય.
૭૫) તે લોકોમાં તેઓ પણ છે જેમણે અલ્લાહને વચન આપ્યું હતું કે જો તે અમને પોતાની કૃપાથી ધન આપશે તો, અમે ચોક્કસ દાન કરીશું અને સાચા સદાચારી લોકો બની જઇશું.
૭૬) પરંતુ જ્યારે અલ્લાહએ તેમને પોતાની કૃપા વડે આપ્યું તો, આ લોકો તેમાં કંજુસાઇ કરવા લાગ્યા, અને વાતને ટાળીને મોઢું ફેરવવા લાગ્યા.
૭૭) બસ ! તેમની સજા અલ્લાહએ તે આપી કે તેમના હૃદયોમાં ઢોંગીપણું નાખી દીધું, અલ્લાહ સાથે મુલાકાત ના દિવસ સુધી, કારણકે તેઓએ અલ્લાહ સાથે કરેલા વચનનો ભંગ કર્યો અને જૂઠ કહેતા રહ્યા.
૭૮) શું તે લોકો નથી જાણતા કે અલ્લાહ તઆલા તેઓના હૃદયોના ભેદો અને તેઓની ગુસપુસને જાણે છે, અને અલ્લાહ તઆલા અદૃશ્યની દરેક વાતોને જાણે છે.
૭૯) જે લોકો તે મુસલમાનોને ટોણાં મારે છે, જે (મુસલમાનો) દિલ ખોલીને દાન કરે છે, અને તે લોકોને પણ (ટોણાં મારે છે) જેમને પોતાની મહેનત અને મજૂરી સિવાય કંઈ મળતું નથી, બસ ! આ લોકો તેઓનો મજાક ઉડાવે છે, અલ્લાહ પણ તેમની સાથે મજાક કરે છે, તેમના માટે જ દુ:ખદાયી યાતના છે.
૮૦) તેમના માટે તમે માફી માંગો અથવા ન માંગો, જો તમે સિત્તેર વાર પણ તેઓના માટે માફી માંગશો, તો પણ અલ્લાહ તેઓને કયારેય માફ નહીં કરે, આ એટલા માટે કે તેઓએ અલ્લાહ અને તેના પયગંબરનો ઇન્કાર કર્યો છે. આવા વિદ્રોહીને અલ્લાહ તઆલા સત્ય માર્ગદર્શન નથી આપતો.
૮૧) પાછળ રહી જનારા લોકો પયગંબરના ગયા પછી, બેસી રહેવા પર રાજી છે, તેઓએ અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જેહાદ કરવાને પસંદ ન કર્યું અને તેઓએ કહી દીધું કે આવી ગરમીમાં ન નીકળો, કહી દો કે જહન્નમની આગ ખૂબ જ ગરમ છે, કાશ કે તેઓ સમજતા હોત.
૮૨) બસ ! તે લોકોએ ઘણું જ ઓછું હસવું જોઇએ અને ઘણું જ વધારે રડવું જોઇએ, તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે તેના બદલામાં.
૮૩) બસ ! જો અલ્લાહ તઆલા તમને તેમના કોઇ જૂથ તરફ મોકલી પાછા લઇ આવે, પછી આ લોકો તમારી સાથે યુદ્ધના મેદાનમાં આવવાની પરવાનગી માંગે, તો તમે કહી દો કે તમે લોકો મારી સાથે આવી નથી શકતા અને ન તો મારી સાથે તમે શત્રુઓ સામે યુદ્ધ કરી શકો છો, તમે પ્રથમ વખત બેસી રહેવાનું પસંદ કર્યું હતું, બસ ! તમે પાછળ રહી જનારા લોકો માંજ બેસી રહો.
૮૪) તે લોકો માંથી કોઇ મૃત્યુ પામે તો તમે તેમના જનાઝાની નમાઝ કયારેય ન પઢશો અને ન તેમની કબર પર પણ ઊભા રહેશો, આ લોકો અલ્લાહ અને તેના પયગંબરનો ઇન્કાર કરનારા છે અને મૃત્યુ પામ્યા સુધી વિદ્રોહી જ રહ્યા.
૮૫) તમને તેઓનું ધન અને સંતાન, કંઈ પણ, આશ્ચર્યચકિત ન કરે, અલ્લાહની ઇચ્છા એ જ છે કે તેમને તે વસ્તુ દ્વારા દુનિયામાં સજા આપે અને તે લોકો પોતાના પ્રાણ નીકળવા સુધી ઇન્કાર કરનારા જ બની રહ્યા.
૮૬) જ્યારે કોઇ સૂરહ અવતરિત કરવામાં આવે છે કે અલ્લાહ પર ઈમાન લાવો અને તેના પયગંબર સાથે મળી જેહાદ કરો, તો તેમના માંથી ધનવાન લોકોનું એક જૂથ તમારી પાસે આવીને એવું કહી પરવાનગી લઇ લે છે કે અમને તો બેસી રહેનારા લોકોમાં જ છોડી દો.
૮૭) આ તો વેશ્યાઓનો સાથ આપવાને જ પ્રાથમિકતા આપે છે અને તેમના હૃદયો પર મહોર લગાવી દીધી, હવે તેઓ કંઈ પણ નથી સમજતા.
૮૮) પરંતુ પયગંબર પોતે અને તેમની સાથે ઈમાનવાળાઓ, પોતાના ધન અને પ્રાણ વડે જેહાદ કરે છે, આ જ લોકો ભલાઇ પામનારા છે અને આ જ લોકો સફળ થનારા છે.
૮૯) તેમના માટે અલ્લાહએ તે જન્નતો તૈયાર કરી રાખી છે જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેનારા છે, આ જ મોટી સફળતા છે.
૯૦) ગામડાના લોકો માંથી તે લોકો આવ્યા જેમની પાસે કંઈ કારણ હતું, કે તેમને પરવાનગી આપી દેવામાં આવે અને તે બેસી રહે, જેમણે અલ્લાહ અને તેના પયગંબર સામે જૂઠ્ઠી વાતો કહી હતી, હવે તો તેમાં જેટલા પણ ઇન્કાર કરનારા છે તેમને દુ:ખ પહોંચાડનારો માર પડશે.
૯૧) નિર્બળ લોકો અને બિમાર લોકો અને જેમની પાસે ખર્ચ કરવા માટે કંઈ પણ નથી, એવા લોકો માટે કોઇ વાંધો નથી, શરત એ કે તેઓ અલ્લાહ અને તેના પયગંબરની ભલાઇ ઇચ્છે, આવા સદાચારી લોકો પર આરોપનો કોઇ માર્ગ નથી, અલ્લાહ તઆલા ખૂબ જ માફ કરનાર, કૃપાળુ છે.
૯૨) હાં તે લોકો માટે પણ કંઈ વાંધો નથી જેઓ તમારી પાસે આવે છે, જેથી તમે તેમને મુસાફરી માટે કોઇ બંદોબસ્ત કરી આપો, તો તમે જવાબ આપો છો કે મારી પાસે તમારી મુસાફરી માટે કંઈ પણ નથી, તો તેઓ નિરાશ થઇ પોતાની આંખો માંથી આંસુ વહાવી પાછા ફરી જાય છે, કે તેમની પાસે ખર્ચ કરવા માટે કંઈ નથી.
૯૩) નિ:શંક તે લોકો પર જ આરોપ છે, જે ધનવાન હોવા છતાં, તમારી પાસે પરવાનગી માંગે છે, આ વેશ્યાઓની સાથે જ રાજી છે અને તેમના હૃદયો પર અલ્લાહની મોહર લાગી ગઇ છે, જેનાથી તેઓ અજ્ઞાની થઇ ગયા છે.
૯૪) આ લોકો તમારી સમક્ષ કારણ વર્ણન કરશે, જ્યારે તમે તેમની પાસે પાછા ફરશો, તમે કહી દો કે આવા કારણ વર્ણન ન કરો, અમે ક્યારેય તમને સાચા નહીં માનીએ, અલ્લાહ તઆલા અમને તમારી જાણકારી આપી ચૂક્યો છે અને હવે પછી પણ અલ્લાહ અને તેનો પયગંબર તમારી કાર્યક્ષમતા જોઇ લેશે, પછી એની પાસે પાછા ફેરવવામાં આવશો, જે છૂપી અને જાહેર દરેક વાતોને જાણનાર છે, પછી તે તમને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા.
૯૫) હાં, હવે તેઓ તમારી સમક્ષ અલ્લાહના નામના સોગંદ ખાઇ લેશે, જ્યારે તમે તેમની પાસે જશો, જેથી તમે તેઓને તેમની સ્થિતિ પર જ છોડી દો, તો તમે તેમને તેઓની સ્થિતિ પર છોડી દો, તે લોકો તદ્દન ખરાબ છે અને તેમનું ઠેકાણું જહન્નમ છે, તે કાર્યોના બદલામાં જે તેઓ કરતા હતા.
૯૬) આ લોકો એટલા માટે સોગંદો ખાશે કે, જેથી તમે તેમનાથી રાજી થઇ જાવ, કદાચ તમે તેમનાથી રાજી થઇ પણ જાવ, પરંતુ અલ્લાહ તઆલા તો આવા વિદ્રોહી લોકોથી રાજી થતો નથી.
૯૭) ગામડાના લોકો ઇન્કાર અને ઢોંગ કરવામાં ખૂબ જ મક્કમ છે અને તેમના એવા હોવું સ્વભાવિક છે કારણકે તેમને તે આદેશોનું જ્ઞાન નથી હોતું, જે અલ્લાહ તઆલાએ પોતાના પયગંબર પર અવતરિત કર્યા છે અને અલ્લાહ ઘણો જ જ્ઞાની, ઘણી જ હિકમતવાળો છે.
૯૮) અને તે ગામડાના લોકો માંથી કેટલાક એવા પણ છે કે, જે કંઈ પણ ખર્ચ કરે છે તેને દંડ સમજે છે અને તે લોકો મુસલમાનો માટે ખરાબ સમયની રાહ જુએ છે, ખરાબ સમય તે લોકો પર જ આવશે અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
૯૯) અને કેટલાક ગામડાના લોકો એવા પણ છે જે અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન રાખે છે, અને જે કંઈ ખર્ચ કરે છે તેને અલ્લાહથી નજીક થવાનું કારણ અને પયગંબરની દુઆનું કારણ બનાવે છે, યાદ રાખો કે તેમનું આ ખર્ચ કરવું, નિ:શંક (અલ્લાહથી) નજીક થવા માટે જરૂર ઉપયોગી થશે, તેમને અલ્લાહ તઆલા ચોક્કસ પોતાની કૃપામાં પ્રવેશ આપશે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, ઘણો જ દયાળુ છે.
૧૦૦) અને જે હિજરત કરનાર તથા અન્સાર, પહેલવહેલા ઇમાન લાવ્યા છે, અને જે લોકો નિખાલસતાથી તેમનું અનુસરણ કરે છે, અલ્લાહ તઆલા તે સૌ લોકોથી રાજી થયો અને તે સૌ અલ્લાહથી રાજી થયા અને અલ્લાહએ તેમના માટે એવા બગીચાઓ તૈયાર કરી રાખ્યા છે, જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં હંમેશા રહેશે, આ ભવ્ય સફળતા છે.
૧૦૧) અને કેટલાક તમારી આસપાસ અને કેટલાક મદીનાના લોકો માંથી એવા ઢોંગીઓ છે, કે ઢોંગીપણા પર અડગ છે, તમે તેમને નથી જાણતા, તેમને અમે જાણીએ છીએ, અમે તેમને બમણી સજા આપીશું, પછી તેઓ મોટી યાતના તરફ ધકેલવામાં આવશે.
૧૦૨) અને કેટલાક એવા પણ છે, જેઓ પોતાની ભૂલને સ્વીકારે છે, જેમણે સારા-નરસા કાર્યો કર્યા હતાં, અલ્લાહથી આશા છે કે તેમની તૌબા કબૂલ કરશે, નિ:શંક અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, ઘણો જ કૃપાળુ છે.
૧૦૩) તમે તેમના માલ માંથી દાન માટે રકમ લઇ લો, જેના કારણે તમે તેમને પવિત્ર કરી દો અને તેમના માટે દુઆ કરતા રહો, નિ:શંક તમારી દુઆ તેમના માટે શાંતિનું કારણ બનશે અને અલ્લાહ ઘણું જ સાંભળે છે, ઘણું જ જાણે છે.
૧૦૪) શું તેમને એ ખબર નથી કે અલ્લાહ જ પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તે જ દાન કબૂલ કરે છે અને એ કે અલ્લાહ જ તૌબા કબૂલ કરવા અને કૃપા કરવા માટે પૂરતો છે.
૧૦૫) કહી દો કે તમે કર્મો કરતા રહો, તમારા કર્મો અલ્લાહ પોતે જ જોઇ લેશે અને તેનો પયગંબર અને ઇમાનવાળાઓ (પણ જોઇ લેશે) અને ખરેખર તમારે તેની પાસે પાછા ફરવાનું છે, જે દરેક છૂપી અને જાહેર વસ્તુઓને જાણે છે, તો તે તમને તમારા દરેક કાર્યો બતાવી દેશે.
૧૦૬) અને કેટલાક એવા લોકો પણ છે, જેમનો ફેંસલો અલ્લાહનો આદેશ આવ્યા સુધી અનિર્ણિત છે, તેમને સજા આપશે, અથવા તેમની તૌબા કબૂલ કરશે અને અલ્લાહ ઘણું જ જાણનાર, ઘણો જ હિકમતવાળો છે.
૧૦૭) અને કેટલાક એવા છે જેમણે નુકસાન પહોંચાડવાના હેતુસર મસ્જિદ બનાવી, અને ઇન્કારની વાતો કરે અને ઇમાનવાળાઓની વચ્ચે મતભેદ નાંખી દે અને તે વ્યક્તિને રહેવા માટે સુવિધા આપે, જે પહેલાથી જ અલ્લાહ અને તેના પયગંબરની વિરૂદ્ધ છે અને સોગંદો ખાઇ કહેશે કે (મસ્જિદ બનાવવામાં અમારો ઇરાદો) ભલાઈ સિવાય કાંઇ જ નથી અને અલ્લાહ સાક્ષી આપે છે કે તેઓ તદ્દન જૂઠા છે.
૧૦૮) તમે તેમાં ક્યારેય ઊભા ન રહેશો, હા, જે મસ્જિદનો પાયો પહેલાથી જ દીન અને અલ્લાહના ડર માટે છે તેમાં તમે ઊભા રહો, તેમાં એવા લોકો છે જેઓ ખૂબ પવિત્ર થવાને પસંદ કરે છે અને અલ્લાહ ખૂબ પવિત્ર લોકોને પસંદ કરે છે.
૧૦૯) પછી શું તે વ્યક્તિ ઉત્તમ છે જેણે પોતાની ઇમારતનો પાયો અલ્લાહથી ડરવા અને અલ્લાહની પ્રસન્નતા માટે રાખ્યો હોય અથવા તે વ્યક્તિ ઉત્તમ છે, જેણે પોતાની ઇમારતનો પાયો કોઈ ખીણના કિનારા પર જે પડી જવાની હોય, રાખ્યો હોય ? પછી તે તેને લઇને જહન્નમની આગમાં પડી જાય અને અલ્લાહ તઆલા આવા અત્યાચારીઓને માર્ગદર્શન નથી આપતો.
૧૧૦) તેમની આ ઇમારત, જે તે લોકોએ બનાવી છે, હંમેશા તેઓના હૃદયોમાં શંકાના કારણે (કાંટો બનીને) ખૂંચશે, હા, જો તેમના હૃદય ડરવા લાગે, તો વાંધો નથી, અને અલ્લાહ તઆલા ઘણો જ જ્ઞાની, ઘણો જ હિકમતવાળો છે.
૧૧૧) નિ:શંક અલ્લાહ તઆલાએ મુસલમાનો પાસેથી તેમના પ્રાણ અને માલને તે વાતના બદલામાં ખરીદી લીધા છે કે તેમને જન્નત મળશે, તે લોકો અલ્લાહના માર્ગમાં લડે છે, કતલ કરે છે અને કતલ કરી દેવામાં આવે છે. તેના પર સાચું વચન આપવામાં આવ્યું છે, તૌરાત, ઇન્જીલ, અને કુરઆનમાં.
અને અલ્લાહ કરતા વધારે પોતાના વચનને કોણ પૂરું કરનાર છે ? તો તમે લોકો પોતાના આ વેપાર પર, જેની બાબતે વચન આપવામાં આવ્યું છે, ખુશી વ્યક્ત કરો અને આ ભવ્ય સફળતા છે.
૧૧૨) તે લોકો તૌબા કરનાર, બંદગી કરનાર, પ્રશંસા કરનાર, રોઝો રાખનાર (અથવા સત્યમાર્ગમાં સફર કરનારાઓ) રૂકુઅ અને સિજદો કરનાર, સદાચારની વાતો શીખવાડનાર અને ખરાબ વાતોથી દૂર રાખનાર છે, અને અલ્લાહની હદોની રક્ષા કરનારા છે અને આવા ઇમાનવાળાઓને તમે ખુશખબર આપી દો.
૧૧૩) પયગંબર અને બીજા મુસલમાનો માટે યોગ્ય નથી કે તેઓ મુશરિકો માટે માફીની દુઆ કરે, ભલેને તે સંબંધી કેમ ન હોય ? તે આદેશ આવી ગયા પછી કે આ લોકો જહન્નમી છે.
૧૧૪) અને ઇબ્રાહીમ (અ.સ.
)નું પોતાના પિતા માટે માફીની દુઆ કરવી, તે ફકત વચનના કારણે હતું, જે તેમણે (તેમના પિતા સાથે) કર્યું હતું, પછી જ્યારે તેમના પર એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે તે અલ્લાહના શત્રુ છે તો તે તેમનાથી અળગા થઇ ગયા, ખરેખર ઇબ્રાહીમ (અ.સ.) ઘણા જ વિનમ્ર તથા ધૈર્યવાન હતા.
૧૧૫) અને અલ્લાહ એવું નથી કરતો કે કોઈ કોમને સત્ય માર્ગદર્શન આપી ફરીથી તેમને પથભ્રષ્ટ કરી દે, જ્યાં સુધી કે તે બાબતોને સ્પષ્ટ ન કરી દે, જેનાથી તેઓ બચીને રહે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે.
૧૧૬) નિ:શંક આકાશો અને ધરતીમાં ફકત અલ્લાહનું જ સામ્રાજ્ય છે, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, અને તમારા માટે અલ્લાહ સિવાય ન તો કોઈ દોસ્ત છે અને ન તો કોઈ મદદ કરનાર.
૧૧૭) અલ્લાહ તઆલાએ પયગંબરની હાલત પર કૃપા કરી અને હિજરત કરનાર અને અન્સાર લોકોની હાલત પર પણ, જેમણે એવી તંગીમાં પયગંબરનો સાથ આપ્યો, ત્યાર પછી કે તેમના માંથી એક જૂથના હૃદયમાં થોડીક શંકા થઇ હતી, પછી અલ્લાહએ તેમની સ્થિતિ પર કૃપા કરી, નિ:શંક અલ્લાહ તઆલા તે સૌના પર ઘણો જ દયાળુ, મહેરબાન છે.
૧૧૮) અને ત્રણ વ્યક્તિઓની હાલત પર, જેમના નિર્ણય ટાળી દેવામાં આવ્યા હતા, ત્યાં સુધી કે ધરતી વિશાળ હોવા છતાં પણ તેમના માટે સાંકડી થવા લાગી અને તે પોતે પોતાના જીવનથી કંટાળી ગયા અને તેઓએ સમજી લીધું કે અલ્લાહ પાસે કોઈ શરણ નહીં મળે, સિવાય એ કે તેની તરફ પાછા ફરવામાં આવે, પછી તેમની હાલત ઉપર ધ્યાન કર્યું, જેથી તેઓ પછી પણ તૌબા કરી શકે, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ તૌબા કબૂલ કરનાર, ઘણો જ દયાળુ છે.
૧૧૯) હે ઇમાનવાળાઓ ! અલ્લાહથી ડરો. અને સાચા લોકો સાથે રહો.
૧૨૦) મદીનાના રહેવાસી જેઓ ગામડાના છે, તેમની આજુબાજુ છે, તેમના માટે એ યોગ્ય ન હતું કે તેઓ અલ્લાહના પયગંબરને છોડી પાછળ રહી જાય અને ન એ કે પોતાના જીવને તેમના જીવ કરતા ઉત્તમ સમજે, એટલા માટે કે તેમને અલ્લાહના માર્ગમાં જે તરસ લાગી અને જે થાક લાગ્યો અને જે ભૂખ લાગી અને એવી જગ્યા પર ચાલ્યા જે ઇન્કાર કરનારાઓ માટે ગુસ્સાનું કારણ બન્યું હોય અને શત્રુઓની જે કંઈ તપાસ કરી લીધી, તે દરેકના નામે (એક-એક) સત્કાર્ય લખવામાં આવ્યું. નિ:શંક અલ્લાહ તઆલા નિખાલસ લોકોનો સવાબ વ્યર્થ નથી કરતો.
૧૨૧) અને જે કંઈ નાનું-મોટું તેમણે ખર્ચ કર્યું અને જેટલા મેદાન તેઓને પાર કરવા પડયા, આ બધું જ તેમના નામે લખવામાં આવ્યું, જેથી અલ્લાહ તઆલા તેમના કાર્યોનું શ્રેષ્ઠ વળતર આપે.
૧૨૨) અને મુસલમાનો માટે એ યોગ્ય નથી કે દરેક લોકો નીકળી જાય, એવું કેમ કરવામાં ન આવે કે તેમના દરેક મોટા જૂથ માંથી એક નાનું જૂથ નીકળે, જેથી તે દીનની સમજ પ્રાપ્ત કરે, અને જેથી આ લોકો પોતાની કોમને, જ્યારે કે તેઓ તેમની પાસે આવે, સચેત કરે જેથી તેઓ ડરી જાય.
૧૨૩) હે ઇમાનવાળાઓ ! તે ઇન્કાર કરનારાઓ સાથે યુદ્વ કરો જે તમારી આજુબાજુ છે અને તેઓ તમને કડક જુએ અને એવું સમજી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે.
૧૨૪) અને જ્યારે કોઈ સૂરહ અવતરિત કરવામાં આવે છે તો કેટલાક ઢોંગીઓ કહે છે કે આ સૂરહએ તમારા માંથી કોનું ઇમાન વધારે કર્યું, તો જે લોકો ઇમાનવાળાઓ છે, આ સૂરહએ તેમના ઇમાનમાં વધારો કર્યો અને તેઓ આનંદ મેળવી રહ્યા છે.
૧૨૫) અને જેમના હૃદયોમાં બિમારી છે, આ સૂરહએ તેમની પોતાની ગંદકીમાં વધારો કરી દીધો, અને તે ઇન્કારની હાલતમાં જ મૃત્યુ પામ્યા.
૧૨૬) અને શું તે લોકો નથી જોઇ રહ્યા કે આ લોકો દર વર્ષે એક વખત અથવા બે વખત કોઈને કોઈ આપત્તિમાં ફસાઇ જાય છે, તો પણ તૌબા નથી કરતા અને ન શિખામણ પ્રાપ્ત કરે છે.
૧૨૭) અને જ્યારે કોઈ સૂરહ અવતરિત કરવામાં આવે છે તો એકબીજાને જોવા લાગે છે, કે તમને કોઈ જોઇ તો નથી રહ્યા, પછી ચાલ્યા જાય છે, અલ્લાહ તઆલાએ તેમના હૃદયોને ફેરવી નાખ્યા છે, એટલા માટે તેઓ અણસમજુ લોકો છે.
૧૨૮) તમારી પાસે એક એવા પયગંબર આવ્યા છે જે તમારા માંથી જ છે, જેમને તમારા નુકસાનની વાત અત્યંત ખરાબ લાગે છે, જે તમારા ફાયદા માટે ઘણા ઇચ્છુક હોય છે, ઇમાનવાળાઓ સાથે ઘણા જ માયાળુ અને દયાળુ છે.
૧૨૯) પછી જો પીઠ ફેરવે તો તમે કહી દો કે મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી, હું તેના પર જ ભરોસો કરુ છું અને તે “અર્શ” નો માલિક છે.